Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : છોટીકાશીમાં આજે ઠેર-ઠેર હોલિકા દહન

Video : છોટીકાશીમાં આજે ઠેર-ઠેર હોલિકા દહન

ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત હોળી પર્વમાં ધોકો : આજે હોલિકા દહન બાદ પરમદિવસે ધૂળેટી

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં રંગોના અને ઉમંગના પર્વ હોળી-ધૂળેટીને લઇ ઉત્સાહ છવાયો છે. જામનગર શહેરમાં પણ દરવર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગના વિસ્તારોમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. હોલિકા દહનને લઇ ઠેર-ઠેર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેમજ બજારમાં ખજૂર, ધાણી, પતાસા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ પણ થઇ રહ્યું છે. લોકો હોલિકાદહન માટે ખજૂર, પતાસા સહિતની ચીજવસ્તુઓ ઉપરાંત ધૂળેટી માટે રંગોની ખરીદી પણ કરી રહ્યાં છે.

- Advertisement -

રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણી કરવા શહેરીજનોમાં અનેરો થનગનાટ છવાયો છે. દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવો ઉજવવા લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી ચૂકયા છે. તો બીજીતરફ જામનગર શહેરમાં પણ આજરોજ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત હોળીના પર્વમાં આ વખતે ધોકો છે. સામાન્ય રીતે દિવાળીના પર્વમાં ધોકો આવતો હોય છે. પરંતુ આ વખતે કદાચિત સૌપ્રથમ વખત એવી ઘટના છે કે, હોળી પર્વમાં પણ ધોકો છે. આજે સોમવારે ઠેર-ઠેર હોલિકા દહન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ આવતીકાલે ધોકો અને ત્યારબાદ બુધવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા છેલ્લા 67 વર્ષથી સૌરાષ્ટ્રમાં સૌથી મોટો હોલિકા દહન ઉત્સવ જવવામાં આવે છે. જે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને નિહાળવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગર આયોજિત હોલિકા મહોત્સવમાં આજે રાત્રે 8 વાગ્યે સુભાષ માર્કેટ, ભોઇવાડો, હોલિકા ચોક ખાતે હોલિકા દહન કરવામાં આવશે. જે માટે છેલ્લા કેટલાંય દિવસોની જહેમત બાદ કાપડ, કંતાન, ઘાસ સહિતની ચીજવસ્તુઓમાંથી ત્રણ ટન જેટલા વજનનો 25 ફૂટ ઉંચુ પૂતળુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર શહેરમાં શેરી-ગલીઓમાં અનેક સ્થળોએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. હોલિકા દહન દરમિયાન મહિલાઓ દ્વારા વ્રત કરી સાંજે હોલિકાની પ્રદક્ષિણા કરવામાં આવે છે. જેમાં શ્રીફળ, ધાણી સહિતની વસ્તુઓ હોમવામાં આવે છે. તેમજ બાળકની પ્રથમ હોળીએ પતાસાનો હાર પહેરાવી પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે. જેને લઇ જામનગરની બજારોમાં ખજૂર, ધાણી, પતાસા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે.

આજે હોલિકા દહન બાદ પરમ દિવસે બુધવારે ધૂળેટી પર્વની ઉજવણી થશે. જેને લઇને બજારોમાં વિવિધ પ્રકારના રંગો, સ્પ્રે, પિચકારીઓ સહિતની વસ્તુઓ પણ લોકો ખરીદી રહ્યાં છે. તો બીજીતરફ શહેરમાં પાર્ટી પ્લોટો તેમજ હાઇ-વે ઉપર હોટલોમાં ધૂળેટી ઉજવણીના પણ આયોજન થયા છે. જેને લઇ યુવાધનમાં અનેરો ઉત્સાહ છવાયો છે. તેમજ મંદિરોમાં ફુલડોલ ઉત્સવ પણ ઉજવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular