જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના વાડી વિસ્તારમાં અપશબ્દો બોલવાની ના પાડતા યુવાન અને તેની પત્ની ઉપર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી મહિલાને પેટના ભાગે લાત મારી પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ઘેડલા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતાં જયેશ નગાભાઈ કારેણા (ઉ.વ.37) નામના યુવાનના ખેતરે શુક્રવારે રાત્રીના સમયે શૈલેષ નથુ કારેણા, ખીમા હીરા કારેણા, લક્ષ્મણ ખીમા કારેણા નામના ત્રણ શખ્સોએ જયેશની વાડીમાં આવી તેના કાકાજી સસરા વજશીભાઈને અપશબ્દો કહી બોલાચાલી કરતા હતાં જેથી જયેશે અપશબ્દો બોલવાની ના પાડતા ખીમા કારેણા અને લખમણ કારેણાએ બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ જયેશ અને તેની પત્નીને અપશબ્દો કહ્યા હતાં અને જયેશની પત્નીના પેટમાં લાત મારી પછાડી દીધી હતી તેમજ દંપતી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલાને કારણે ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે જયેશના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.