મુંબઇની કન્સ્ટ્રકશન કંપની સને-1975માં બેડી બંદર રોડ પર સીસીડીસી ફલેટસ નામની દુકાનો તથા ફલેટસનો પ્રોજેકટ કરેલો અને તે વખતે ખરીદદારોને વેચાણ કરાર કરી આપ્યા હતાં. ત્યારબાદ આ કંપની તેઓની જામનગર-અંકલેશ્ર્વર અને મુંબઇ ખાતેની ઓફિસો બંધ કરી દીધેલ અને ક્યાંય ચાલ્યા ગયા હતાં. જેથી આ ઇમારતમાં તમામ ખરીદદારો માત્ર કરાર અને કબજાના આધારે જગ્યાનો ઉપયોગ કરતાં પરંતુ કોઇ પાસે માલિકોનો દસ્તાવેજ છે નહીં. 1975માં આ વિસ્તાર ગામની સાવ બહાર અને વિરાન અને છેવાડાનો વિસ્તાર હતો. પરંતુ હાલના આ વિસ્તાર ખૂબ જ વિકસીત થઇ ગયેલ છે અને મિલકતોના ભાવ આસમાને પહોંચ્યા છે. છતાં પણ સીસીડીસી ફલેટસના ખરીદનારાઓની મિલકતની કિંમત થતી નથી. આ બિલ્ડીંગમાં મિલકત ધરાવતા અને વર્ષોથી વહાણવટી હોસ્પિટલ નામની ગાયનેક પ્રેકટીસ કરતાં ડો. જમિલાબેન વહાણવટીએ પોતાના વકીલ અનિલ જી. મહેતા મારફત કંપનીને લીગલ નોટીસ મોકલી કરારનું પાલન કરી આપવા માગણી કરી હતી. તેમ છતાં મુંબઇની પેઢીએ કોઇ રિસ્પોન્ડસ ન આપતા જામનગરની સીવીલ અદાલતમાં કરારના વિશેષ પાલનનો દિવાની મુકદમો દાખલ કરી પોતાના તરફી બધા પુરાવાઓ રજૂ કરી સીસીડીસી કન્સ્ટ્રકશન કંપની સને 1978માં કરી આપેલ કરારનું પાલન કરી વેચાણ દસ્તાવેજ કરી આપે તેવી દાદ માગી હતી. આ દાવામાં કોર્ટ દ્વારા પ્રતિવાદી પેઢીને કરારનું પાલન કરી ડો. જમિલાબેન વહાણવટીને રજી. વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હુકમ જામનગરના પ્રિન્સીપાલ સિવિલ જજ એમ.બી. ડાંગએ કર્યો છે. આ કેસની મુખ્ય બાજુએ રહી હતી કે, અનેક કાનૂની ગુંચવણો દાવો છતાં દિવાની દાવો માત્ર 6 મહિનામાં પુરો કરી 40 વર્ષથી દસ્તાવેજ માટે ન્યાય ઝંખતા પક્ષકારને ખૂબ જ ઝડપી ન્યાય આપેલ છે. આ કેસમાં વાદી તરફે મુખ્ય વકીલ અનિલ જી. મહેતા તથા આસી. અર્જુનસિંહ સોઢા, વી.એસ. જાની, ભરત ચુડાસમા વિગેરે વકીલ રોકાયેલા હતાં.