જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલા સરદારનગર વિસ્તારમાં રહેતાં બાવાજી પ્રૌઢનો તેના ઘરે ખાટલામાં દોરી વડે હાથ-પગ બાંધી દઇ મોઢે ડુમો આપી હત્યા નિપજાવેલ મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતકના પુત્ર અને પુત્રવધૂ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
પિતાએ ચોરી કરવા સંદર્ભે ઠપકો આપ્યો, પુત્ર-પુત્રવધૂએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા pic.twitter.com/rCFwnafZvf
— Khabar Gujarat (@khabargujarat) February 27, 2023
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલા સરદારનગર શેરી નં.7 માં રહેતાં શંકરદાસ ભુધરદાસ બાવાજી પ્રૌઢનો રવિવારે સવારના સમયે તેના ઘરે મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતા પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં શંકરદાસનો મૃતદેહ ખાટલામાં દોરી વડે હાથ-પગ બાંધી મોઢે ડુમો આપી અને ગળેટુંપો દઈ હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરતા મૃતકના પુત્ર સુનિલદાસ શંકરદાસ બાવાજી (ઉ.વ.30) નામના યુવાન પુત્રને તેના પિતા શંકરદાસ સાથે અવાર-નવાર માથાકૂટ થતી હતી અને સુનિલને ચોરી કરવાની ટેવ હોવાથી પિતા-પુત્ર વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં રહેતાં હતાં.
દરમિયાન બે દિવસ પહેલાં સુનિલદાસ કોઇ જગ્યાએ ચોરી કરી આવ્યો હોવાની પિતા શંકરદાસને શંકા જવાથી તેના પુત્ર સુનિલને આ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાએ આપેલા ઠપકાનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે સુનિલદાસ શંકરદાસ બાવાજી અને સુનૈના સુનિલદાસ બાવાજી નામના દંપતીએ પ્રૌઢના હાથ-પગ ખાટલામાં દોરી વડે બાંધી દઇ મોઢે ડુમો આપી ગળેટૂપો દઈ હત્યા નિપજાવી હતી. પિતાની હત્યા નિપજાવ્યા બાદ નરાધમ પુત્ર સુનિલદાસ અને તેની પત્ની સુનૈના રાત્રિના સમયે નાશી ગયા હતાં. દંપતીએ હત્યા નિપજાવ્યાની મૃતકના પુત્ર અનિલદાસ બાવાજીના નિવેદનના આધારે પોલીસે સુનિલદાસ અને સુનૈના વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી બંનેને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.