જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મંત્રીએ કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી ડો. મિહિર પટેલ તેમજ અન્ય વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર કામો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે મંત્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત મનરેગાની કામગીરી, ડીપાર્ટમેન્ટલ કામગીરી, વન વિભાગ, વોટર શેડની કાર્યપધ્ધતિ અંગે માહિતી મેળવીને જામનગર જિલ્લામાં જળસંચયના કામોને અગ્રિમતા આ૫વામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્વારા વઘુમાં વઘુ રીચાર્જ થાય અને પાણીના જળ ઉંચા આવે તે પ્રકારની જળસંચયની કામગીરી માટે પગલાં લેવા માટે મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધમરશીભાઈ ચનિયારા, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.