નાણા મંત્રાલયે ચેતવણી આપી છે કે જો અલ નીનો અંગે અમેરિકી હવામાન એજન્સીની આગાહી સાચી નીકળી તો કૃષિ ઉત્પાદનમાં ઘટાડો અને ફુગાવો વધવાનું જોખમ છે. આ પહેલીવાર છે જયારે કોઈ સરકારી વિભાગે 2023માં અલ નીનોની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી હોય. સક્રિય અલ નીનોને કારણે, ચોમાસા દરમિયાન વરસાદ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે.
નાણા મંત્રાલયના ઇકોનોમિક સેલે માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, ‘કેટલીક હવામાનની આગાહી કરતી એજન્સીઓએ આ વર્ષે ભારતમાં અલનીનો સક્રિય થવાની આગાહી કરી છે. જો આ આગાહીઓ સાચી હોય, તો ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થઈ શકે છે, જેના કારણે ઉપજ ઓછી થઈ શકે છે અને ભાવ ઊંચા થઈ શકે છે. બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ઋઢ24માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 6 થી 6.5 ટકા વૃદ્ધિ એ કૃષિ ક્ષેત્રમાં 3 થી 3.5 ટકા વૃદ્ધિના અંદાજ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, ‘જો એવું રહેશે તો આ વર્ષે પણ ચોમાસું સામાન્ય રહેશે. પરંતુ અલ નીનો સક્રિય થવાની આગાહી સારા સમાચાર નથી કારણ કે તે કૃષિ ઉત્પાદનને અસર કરશે, જેની અસર માત્ર ઉપજ પર જ નહીં પરંતુ ફુગાવા પર પણ પડી શકે છે. આનાથી કૃષિ આવકમાં પણ ઘટાડો થશે અને ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચને અસર થશે.’
સબનવીસે કહ્યું કે ફેબ્રુઆરી-માર્ચમાં તાપમાનનો પારો વધવાને કારણે ઘઉંના પાકને નુકસાન થવાનો ભય છે. ‘ઉત્પાદનમાં એક મિલિયન ટનની અછત પણ ફુગાવા પર પ્રતિકૂળ અસર કરશે,’ તેમણે કહ્યું. તેથી અલનીનો ચિંતાનું કારણ બની શકે છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ સારા ઉત્પાદનને કારણે અમને થોડી રાહત મળી હતી.
કૃષિ મંત્રાલયે 2023-24 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં 112.2 મિલિયન ટન ઘઉંના વિક્રમી ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અશોક કેકે મીનાએ જણાવ્યું હતું કે માર્ચના મધ્યથી શરૂ થતી ઘઉંની ખરીદી આ વર્ષે પારો વધવા છતાં સામાન્ય રહેશે અને કુલ સરકારી ખરીદી 3 થી 40 મિલિયન ટન થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે ફરી કહ્યું ઉત્તર-પરૂમિ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી 5 દિવસ સુધી તાપમાનનો પારો સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહી શકે છે. તાજેતરના અહેવાલમાં, નુવામા રિસર્ચના અવનીશ રાય, ઋષભ બચાવત અને જૈનમ ગોસરે જણાવ્યું હતું કે, ‘છેલ્લી વખત 2018માં અલનીનોની અસર જોવા મળી હતી, ત્યારે ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો હતો. ત્યારપછી સતત ચાર વર્ષથી ચોમાસું સામાન્ય રહ્યું છે. આ વખતે ફરીથી અલનીનો આવવાનો ખતરો છે, જેનું ચિત્ર એપ્રિલ-મે સુધીમાં સ્પષ્ટ થઈ જશે.’ જો કે, માસિક આર્થિક સમીક્ષામાં આગામી નાણાકીય વર્ષમાં દેશની આર્થિક કામગીરી અંગે આશાવાદી દૃષ્ટિકોણ વ્યક્ત કરવામાં આવ્યો છે.