વડોદરા-પાદરા રોડ પર નારાયણ વાડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે. રિક્ષામાં સવાર એક પરિવારના 5 સભ્યને મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 બાળક અને પતિ-પત્નીનાં મોત થયાં છે.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભંયકર અકસ્માતમાં ઘટનાસ્થળે 3 લોકોનાં મોત જ થયાં હતાં, જ્યારે 2નાં મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયાં છે. આ તમામના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ લોકો વડોદરાના પાદરાના લોલા તાલુકાના છે. હાલ આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે. આ અકસ્માતને કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.
પરિવાર રિક્ષામાં સવારે લગ્નપ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તમામ મૃતકો પાદરાના લોલા ગામના હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. મૃતકોમાં અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ), કાજલ અરવિંદ નાયક (25 વર્ષ), શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ), ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ)નો સમાવેશ થાય છે.