જામનગર શહેરના વોર્ડ નં. 1માં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઇ આ વિસ્તારના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ અંગે આ વિસ્તારના નગર સેવકો દ્વારા પણ જામ્યુકોની સામાન્ય સભામાં આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હોય, નાગરિકોમાં રોષની લાગણી છવાઇ છે.
જામનગરમાં ઉનાળો શરુ થાય તે પૂર્વે જ પાણીની મોકાણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા ઘરે-ઘરે નળ આપવાની વાતો વચ્ચે જામનગર શહેરના વોર્ડ નં. 1માં લાંબા સમયથી રહેવાસીઓ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ઉનાળો શરુ થયો નથી ત્યાં વોર્ડ નં. 1ના બેડી વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પીવાનું પાણી આપવામાં ન આવતું હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં 10 વર્ષથી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. પણ હજૂ સુધી પુરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. તેમજ નળમાં પાણી આવે ત્યારે પણ સાથે ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
બેડી વિસ્તારમાં 2000થી વધુ લોકો વસવાટ કરે છે અને આ વિસ્તાર 75 ટકા સ્લમ વિસ્તાર છે. તેમજ બેડીના 30 વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન પણ નાખવામાં આવી નથી. સ્થાનિક નગર સેવકો દ્વારા આ અંગે અવાર-નવાર સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં બેડી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. બેડી વિસ્તારમાં પાણીનો ટાંકો આવે ત્યારે આ વિસ્તાર જામનગર મહાનગરપાલિકા હેઠળ આવતો હોવા છતાં કચ્છના અંતરિયાળ ગામ જેવા દ્રશ્યો જોવા મળતાં હોય છે. મહિલાઓ તેમજ નાની બાળાઓ પાણીનો ટાંકો આવે ત્યારે લાઇનો લગાવી ઉભા રહેતાં જોવા મળે છે.


