જામનગરના રઘુવંશી ઉદ્યોગપતિ અને જલારામ મેટલ અલ્લોયસના માલિક મેહુલભાઇ ધીરજલાલ જોબનપુત્રાએ સમાજને નવો રાહ બતાવવા તેમના પુત્રની પ્રથમ વર્ષગાંઠે ખોટા તાયફા કરવાને બદલે 36 દિકરીઓના સમૂહ લગ્ન કરાવી સમાજ માટે અનેરૂં ઉદાહરણ પુરૂં પાડયું હતું.
જામનગરના ધીરજલાલ જોબનપુત્રા અને રમીલાબેનના પૌત્ર તથા મેહુલભાઇ અને મીરાબેનના પુત્ર નમનની વર્ષગાંઠ નિમિતે જોબનપુત્રા પરિવાર દ્વારા અનોઉં સેવાકાર્ય હાથ ધર્યુ હતું. જોબનપુત્રા પરિવાર દ્વારા નમનની પ્રથમ વર્ષગાંઠ નિમિતે કોઇ પાર્ટી કે ખોટા તાયફા કરવાને બદલે જ્ઞાતિજાતિના ભેદભાવ વિના 36 દિકરીઓના હિન્દુ વિધીથી સમૂહ લગ્ન કરાવ્યા હતા. તેમજ તમામ દિકરીઓને 100થી વધુ કર્યિાવર રૂપે વસ્તુઓ આપી હતી.
નમનના પિતા મેહુલભાઇ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, પુત્ર રત્નની ખુશી દરેકને હોય છે. લોકો બાળકનો પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઉજવતા જ હોય છે અને લાખો રૂપિયા સુધીનું ખર્ચ પણ કરતાં હોય છે. ત્યારે અમારા પરિવારે સમાજના અન્ય પરિવારોની ખુશી અને આશિર્વાદરૂપે સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવા નિર્ણય કર્યો હતો અને 36 દિકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા.
આ સમૂહ લગ્ન સમારોહમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, લોહાણા સમાજના અગ્રણી અશોકભાઇ લાલ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, લેઉવા પટેલ સમાજ જામનગર પ્રમુખ મનસુખભાઇ રાબડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.


