જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસ પાસેથી એલસીબીની ટીમે બાઈકસવારને આધાર પૂરાવા વગરના બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ બાઈક દ્વારકા જિલ્લાના મીઠાપુર રેલવે સ્ટેશન પાસેથી 20 દિવસ પૂર્વે ચોરી આચર્યાની કેફીયતના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પસાર થવાની એલસીબીના પો.કો. કિશોર પરમાર, ઘનશ્યામ ડેરવાળિયા, રાકેશ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.પી. ગોહિલ અને પી.એન.મોરી તથા સ્ટાફે વોચ ગોઠવી મયુરનગર વામ્બે આવાસ પાસેથી સિલ્વર કલરના જીજે-10-સીસી-0416 નંબરના 25000 ની કિંમતના બાઇક સાથે પસાર થનાર કિશન ભનુભાઈ પરમાર નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતાં બાઈકના દસ્તાવેજો કે આધાર પૂરાવા ન હોય અને બાઈક કિશને 20 દિવસ પહેલાં દ્વારકા જિલ્લાના મીઠાપુર રેલવે સ્ટેશન પાસેથી ચોરી કર્યાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.