રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા ગ્રાહક નિવારણ આયોગ દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકોને જે હકકો મળે છે તે પ્રત્યે જાગૃત્તતા લાવવા માટે અને મજકુર કાયદાનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે તે માટે જામનગર જિલ્લા આયોગના પ્રમુખ ડી.એ. જાડેજાના વડપણ હેઠળ મેમ્બર એચ.એસ. દવે અને મેમ્બર જે.એચ.મકવાણા દ્વારા જામનગર શહેર ખાતે જે.વી.મહેતા કોલેજ, એસવીઈટી કોલેજ, હરિયા કોલેજ,, કે.પી. શાહ લો કોલેજ તથા આયોગની કચેરીમાં અલગ અલગ દિવસે સેમિનાર યોજી પ્રમુખ તથા સભ્યઓ દ્વારા કાયદાના અસરકારક પરિણામ માટેનું વકતવ્ય આપવામાં આવ્યું તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા કોર્ટ તેમજ કલ્યાણપુર કોર્ટમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મહદઅંશે પ્રમુખ જાડેજા, એચ.એસ. દવે અને જે.એચ. મકવાણા દ્વારા અદાલત ગ્રાહકની રક્ષક છે. તેમજ ગ્રાહકની જાગૃત્તિ અને જે ગ્રાહકનું રક્ષણ બાબતે રજૂઆત કરી ગ્રાહકમાં કોનો સમાવેશ થઈ શકે તેમજ માલ સેવામાં રહેલ ખામી દૂર કરવા, ઈજા-નુકસાન માટે વળતર મેળવવા, માલ બદલી આપવા મેડીકલ તથા વાહન અકસ્માત સંબંધે વિસ્તૃત છણાવટ કરી. તદઉપરાંત કોઇપણ વ્યક્તિને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે તેઓની સાથે કોઇ છેતરપિંડી થઈ હોય એટલે કે, ગ્રાહક કોઇ લોભામણી જાહેરાતમાં આવી છેતરાય ગયો હોય તેવા સંજોગોમાં ઓનલાઈન હેલ્પલાઈન નં.1915 મોબાઇલમાં ડાઇલ કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તેવી જ રીતે સાઈબર ક્રાઈમ હેઠળ કોઇ પણ વ્યકિત ભોગ બનેલ હોય તો તેઓ પણ તેઓનો મોબાઇલ નં.1930 ડાઇલ કરી તેઓ સાથે બનેલ બનાવ સંબંધે જાણ કરી શકે છે.
ઉપરોકત પ્રકારે રાજ્ય કમિશનના માર્ગદર્શન હેઠળ હજુ પણ જામનગરના વિવિધ તાલુકામાં તેમજ દેવભૂમિ દ્વારકાના બાકી રહેલ તાલુકાઓમાં તેમજ જામનગરની અન્ય લો કોલેજમાં હવે પછી આવા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેથી સર્વે ગ્રાહક મિત્રોને આવા સેમિનારનો લાભ લેવા જિલ્લા કમિશન જામનગરના પ્રમુખ ડી.એ. જાડેજા એ ખાસ વિનંતી કરી છે.