જામનગરની રંગમતિ નદીના દબાણો દૂર કરવા મામલે વિપક્ષી કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા કરવામાં આવેલા કોમવાદી વલણના આક્ષેપો અંગે મેયર બીનાબેન કોઠારીએ જામ્યુકોની બજેટ બેઠકમાં આક્રમક વલણ અખત્યાર કર્યુ હતું તેમણે કોર્પોરેટરના આક્ષેપને પાયાવિહોણા અને કોમવાદી ગણાવી આ આક્ષેપો પાછા ખેંચવા જણાવ્યું હતું.
ગઈકાલે યોજાયેલી જામનગર મહાપાલિકાની બજેટ બેઠકમાં ચર્ચા દરમિયાન રંગમતિ નદીમાં રીવરફ્રન્ટ બનાવવાનો મુદ્ો ઉઠતા વિપક્ષી કોર્પોરેટર અસલમ ખીલજીએ એવો આક્ષેપ કર્યો હતો કે ‘નદીમાં દબાણો હટાવવાના નામે જામ્યુકોના સત્તાધિશો દ્વારા એક ચોકકસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે. એટલું જ નહીં શહેરમાં અન્યત્ર અસંખ્ય દબાણો હોવા છતાં માત્ર નદીના દબાણોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે.’ વિપક્ષી કોર્પોરેટરના આ પ્રકારના આક્ષેપને મેયરે કોમવાદી ગણાવી સભામાં આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે વિપક્ષી કોર્પોરેટરના કોમવાદી આક્ષેપને નકારી કાઢયા હતાં. તેમણે એમ પણ કહ્યું કે, નદી આપણી જીવાદોરી સમાન છે. આ નદીને જીવંત રાખવા માટે તેમાં થયેલા તમામ પ્રકારના ગેરકાયદે દબાણો દૂર થવા જરૂરી છે. આ માટે મહેસુલ તંત્ર પાસેથી નદીની પહોળાઈ અંગેના નકશાઓ મગાવવામાં આવ્યા છે જેના આધારે નદીના પટ્ટમાં થયેલા તમામ ગેરકાયદે દબાણો દૂર કરી શહેરને એક જીવંત અને સુંદર રીવરફ્રન્ટ ધરાવતી નદી મળે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોરેટર જયાં સુધી પોતાના આક્ષેપો પાછા ન ખેંચે ત્યાં સુધી બોર્ડની કાર્યવાહી નહીં ચલાવવાની મેયરે ચિમકી આપી હતી. આખરે વિપક્ષી કોર્પોરેટરના આક્ષેપોને મિનિટસમાંથી દૂર કરીને બોર્ડની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. આ ઉપરાંત મોટી કંપનીઓ પાસે ટેકસ વસૂલવામાં આવતો ન હોવાના વિપક્ષી મહિલા કોર્પોરેટરના આક્ષેપને પણ નકારી કાઢયા હતાં. મેયરે સલાહ આપી હતી કે, આક્ષેપ કરવા હોય તો પૂરાવા સાથે કરવા જોઇએ.