ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં આવેલા વેરાઇ-ભવાની માતાજીના મંદિરમાંથી અજાણ્યા તસ્કરોએ રવિવારની રાત્રિના સમય દરમિયાન તાળા તોડી રૂા.25 હજાર રોકડા અને દાગીના તથા આભૂષણો મળી એક લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં આવેલા જેન્તીભાઈ નાથાભાઈ દલસાણિયા નામના પટેલ પરિવારના કુળદેવી વેરાઈ-ભવાની માતાજીના મંદિરમાં ગત રવિવારની રાત્રીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મંદિરના દરવાજાના નકૂચા તોડી મંદિરમાં પ્રવેશ કરી માતાજીને ચઢાવેલા રૂા.76 હજારની કિંમતના ચાંદીના આભૂષણો અને ચાંદીની વસ્તુઓ તથા રૂા.25 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.1,01,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ જેન્તીભાઈ દ્વારા કરવામાં આવતાં પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.