Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતજામનગર બસપોર્ટ ડેવલોપમેન્ટ : જાહેરાતમાં પહેલાં, અમલમાં છેલ્લા

જામનગર બસપોર્ટ ડેવલોપમેન્ટ : જાહેરાતમાં પહેલાં, અમલમાં છેલ્લા

હાલના જિલ્લા ભાજપ પ્રમુખ જયારે એસટીના ડિરેકટર હતા ત્યારે ‘પીપીપી’ યોજનાની કરવામાં આવી હતી જાહેરાત : વર્ષો બાદ આજે નવા ધારાસભ્ય કરી રહ્યાં છે રજૂઆત : સ્થાનિક નેતાગીરીના પડછંદ અવાજનો અભાવ

- Advertisement -

પીપીપી એટલે કે, પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશિપ યોજનાના બીજ જયારથી રાજ્યમાં રોપાયા ત્યારે આ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલી કેટલીક વિકાસ યોજનાઓમાં જામનગર શહેરના એસટી ડેપોનો પણ સમાવેશ કરાયો હતો. આ યોજના અંતર્ગત જામનગર સહિત રાજયના કેટલાક શહેરોના એસટી ડેપોને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત ડેવલોપ કરી અદ્યતન સુવિધાસભર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને આજે વર્ષો વિતી ગયા હોવા છતાં જામનગરનું એસટી સ્ટેન્ડ એજ જુની જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. જયારે જામનગર બાદ જેમની વિકાસ જાહેરાત કરવામાં આવી તેવા શહેરોમાં આજે અદ્યતન બસ પોર્ટ જોવા મળી રહ્યાં છે. જેમાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ રમેશ મુંગરા જયારે એસટી વિભાગના ડિરેકટર હતા ત્યારે તેમણે જામનગરમાં બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ યોજી રાજય સરકારની પીપીપી યોજના અંતર્ગત જામનગરના એસટી ડેપોને અદ્યતન બનાવવાની જાણકારી પત્રકારોને આપી હતી. રમેશ મુંગરાની આ જાહેરાતને આજે વર્ષો વિતી ગયા હોવા છતાં આ યોજના જામનગરમાં જરા પણ આગળ વધી નથી. એટલું જ નહીં જામનગર બાદ જે શહેરોની યોજના જાહેર કરવામાં આવી હતી ત્યાં આજે અદ્યતન બસપોર્ટ નિર્માણ પામી ચૂકયા છે.

- Advertisement -

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં લોકોને બસપોર્ટ પર અદ્યતન સુવિધાઓનો લાભ મળવા લાગ્યો છે.
જયારે જામનગર બસ પોર્ટ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે. અનેક વખત મુસાફરોને હાલાકીની સમસ્યા અખબારના પાને ચમકતી રહી હોવા છતાં જામનગરના બસપોર્ટ અંગે સ્થાનિક નેતાગીરીએ ઉદાસીનતા જ દાખવી છે. હજુ થોડા સમય પહેલાં જ જામનગર શહેર પાસે રાજય સરકારમાં બબ્બે-બબ્બે મંત્રીઓ હોવા છતાં તેમજ આ યોજનાની જાહેરાત કરનાર રમેશ મુંગરા હાલ જિલ્લા ભાજપના અધ્યક્ષ હોવા છતાં આ યોજનાનું અસરકારક ફોલોઅપ કરવામાં આવ્યું નથી. પરિણામે જામનગર શહેરને લાગેલું ‘પૂછડીયા શહેર’નું ટેગ ફરી વખત ઉજાગર થયું છે. આશ્ર્વાસનની વાત એ છે કે, અદ્યતન બસપોર્ટ માટે પાછળ રહી ગયેલાં જામનગરને નવું બસપોર્ટ ઝડપથી પ્રાપ્ત થાય તે માટે હાલમાં જ જામનગરમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે તેમણે રાજયના મુખ્યમંત્રીને પત્ર પણ પાઠવ્યો છે. જેમાં જામનગરની બસપોર્ટની યોજનાને ઝડપથી મૂર્તિમંત કરવા જણાવ્યું છે. જો કે, રાજય સરકાર દ્વારા ધારાસભ્યને તેમના પત્રના પ્રત્યુત્તરમાં રાબેતા મુજબનો જવાબ આપી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ પાઠવેલા પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે, યોગ્ય કાર્યવાહી માટે આપની રજુઆત સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવી છે. જામનગરની સ્થાનિક નેતાગીરીના પડછંદ અવાજના અભાવે અનેક યોજનાઓમાં વિલંબ થઇ રહ્યો છે. અથવા તો વિલંબથી મંજૂરી આપવામાં આવી રહી છે. જેને કારણે અન્ય મહાનગરોની સરખામણીમાં જામનગર શહેરની વિકાસની ગતિ મંદ જણાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular