આવતીકાલે મંગળવારે જામનગર શહેરના નવાગામ ઘેડમાં રહેતા રાઠોડ પરિવારની પુત્રીના લગ્ન થનાર હતાં. પરંતુ લગ્નની શરણાઇ વાગે તે પહેલા જ આગલા દિવસે જ ક્ધયાના પિતાએ ઘરની બાજુમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં લગ્નપ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં રહેતા નરોતમભાઇ છગનભાઇ રાઠોડ નામના પ્રૌઢની પુત્રી મિતલબેનના આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન થનાર હતાં અને રાઠોડ પરિવારમાં ખુશીનો માહોલ રહ્યો હતો. દરમ્યાન આજે સવારે એક ઘટનાએ પરિવારને હચમચાવી દીધો હતો. આજે સવારે રાઠોડ પરિવારના ઘરની બાજુમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ પર નરોતમભાઇ છગનભાઇ રાઠોડ (ઉ.વ.50) નામના પ્રૌઢ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલી સ્થિતિમાં નજરે પડતા રાઠોડ પરિવારના આકરનથી વાતાવરણ શોકમય બની ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલ્યો હતો.
પોલીસે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી આત્મહત્યાનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ પરિવારજનોની પૂછપરછમાં કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું અને આર્થિક સંકળામણ કે અન્ય કોઇ સમસ્યા ન હોવાનું પરિવારજનો દ્વારા જણાવતા પોલીસે આત્મહત્યાનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.