ભારતમાં આ વર્ષે મોટાભાગના રાજયોમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો છે અને હવે ગરમીનો પારો પણ સતત ઉંચો ચડતો જાય છે તે બાદ ચોમાસુ જે ભારતીય કૃષિ જ નહી સમગ્ર અર્થતંત્ર માટે હજું ‘જીવાદોરી’ જેવું છે તેના અંગે અમેરિકી હવામાન એજન્સીની આગાહી ચિંતા કરાવે છે. જો કે આ અમેરિકી એજન્સીએ અગાઉ પણ તારણ આપ્યું હતું કે પેસીફીક સમુદ્રમાં જે ભારત સહિત અનેક દેશોના ચોમાસા સહિતના હવામાનને અસર કરે છે તેનો ઉદભવ થઈ રહ્યો છે.
જેના કારણે જો અલનીનો મે-જૂન માસ બાદ પણ મજબૂત ફેકટર બની રહે તો ભારતમાં નેઋત્યના ચોમાસાને અસર કરી શકે છે. અગાઉ ગત મહિને પણ અલનીનોના ઉદભવ અંગે શકયતા દર્શાવાઈ હતી. હવે તે શકયતા વધી ગઈ હોવાનું ફેબ્રુઆરીના રીપોર્ટમાં જણાવ્યું છે અને લેટેસ્ટ રીપોર્ટમાં જણાવ્યું કે અલ નીનો ઉનાળાના અંત બાદ અને મોટાભાગે જુલાઈમાં અસર કરશે.
ભારતમાં જુનથી સપ્ટેમ્બર માસ એ નૈઋત્યના ચોમાસાની મૌસમ ગણાય છે અને તે સમયે પડતો વરસાદ એ ખરીફ પાક અને બાદમાં રવિપાક (શિયાળુ પાક) ને માટે પણ મહત્વનો છે અને અમેરિકી વેધશાળાના રીપોર્ટ મુજબ જુલાઈના અંત અને ઓગષ્ટમાં અલનીનોનો પ્રભાવ વધશે અને આ અંદાજ મુજબ અલનીનોના શક્તિશાળી ઉદભવની શકયતા 57% જેટલી છે. વેધશાળાના અભ્યાસમાં સતત બે માસ અલનીનોના ઉદભવ અંગેના સંકેતો મળ્યા છે તેથી તેને હવે ગંભીરતાથી લેવાની જરૂર છે પણ હજું સ્પષ્ટ ચિત્ર તો એપ્રિલના અંત અને મે માસમાં જ જોવા મળશે.
અલનીનો એ વસંતની ઋતુ, શિયાળાના અંત બાદ પેસીફીક સમુદ્રની સપાટી નીચે ગરમ પાણીનો પ્રવાહ વહે છે જે ગરમી ધીમે ધીમે સપાટી પર આવે છે અને તે પછી ભારત ભણી વહેતા પવનને અસર કરે છે. સુકી હવા ફુંકાવાના કારણે બંગાળના અખાત સહિતના ક્ષેત્રોમાં ચોમાસાની સિસ્ટમ બનતી નથી અથવા તે નબળી બને છે જેની અસર ભારતના ચોમાસા પર પડે છે. અલનીનોનું પરિબળ સામાન્ય રીતે દર છ વર્ષ ઉદભવે છે. જો કે અલનીનો એક જ એવું ફેકટર નથી જે ભારતના ચોમાસાને અસર કરે છે. અનેક સ્થાનિક પરિબળો પણ હોય છે તેની સામે લા-નીનાનું ફેકટર પણ છે જે ભારતને ભરપુર ચોમાસુ આપે છે અને છેલ્લા ત્રણ વર્ષથી લા-નીનોનું ફેકટર બની જ રહ્યું છે. છેલ્લે 2018માં ભારતના ચોમાસા પર અલ-નીનોની અસર જોવા મળી હતી.