જામનગર શહેર અને જિલ્લામાં નવા વર્ષના પ્રારંભથી કડકડતી ઠંડી વચ્ચે અકસ્માતમાં મોતની ઘટનાઓ સતત વધતી જાય છે. જેમાં રવિવારે સવારના સમયે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રામપર ગામના પાટીયા પાસે ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા જામનગરના યુવાન ચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતો અને સંતવાણીના કાર્યક્રમોમાં વાંજીત્રો વગાડવાનું કામ કરતો જતિન હરેશભાઈ છત્રોલા (ઉ.વ.30) નામનો યુવાન રવિવારે સવારના સમયે તેનો ભજનનો પ્રોગ્રામ પુરો કરી તેની પાસેની જીજે-03-એમઇ-4354 નંબરની ઈકો કાર લઇ જામનગર તરફ આવતો હતો ત્યારે રામપર ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે રોડમાં અડચણરૂપ પાર્ક કરેલા જીજે-10-ઝેડ-9991 નંબરના ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર ઘુસી જતાં કારનો આગળથી ભુક્કો બોલી ગયો હતો અને ચાલક જતિન છત્રોલા નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની જાણના આધારી પીએસઆઈ એલ.ડી.ઓડેદરા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. તેમજ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા સુરેશભાઈ ઉર્ફે હરેશભાઈના નિવેદનના આધારે ટ્રકચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.