જામનગર મહાપાલિકાના વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટમાં શહેરીજનો પર નવો 53 કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. સૌથી વધુ કરબોજ પ્રોપટી ટેકસ પર સૂચવાયો છે. જયારે પાણીચાર્જમાં પણ રૂા. 350 નો તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે. પ્રથમ વખત જ જામનગર મહાપાલિકાનું રૂા. 1,000 કરોડથી વધુનું બજેટ આજે મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ આજે બપોરે 12 વાગ્યે જામનગર મહાપાલિકાનું વર્ષ 2023-24નું રૂા. 1,079 કરોડનું ખર્ચ દર્શાવતું અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કર્યુ હતું. આ બજેટમાં વર્ષના અંતે 142 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. જયારે વર્ષ દરમ્યાન મહાપાલિકાને 949 કરોડની જુદી-જુદી આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેમાં મોટો હિસ્સો એટલે કે રૂા. 515 કરોડ સરકારી ગ્રાન્ટનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલાં 2023-24ના અંદાજપત્રમાં શહેરીજનો પર વધારાનો 53 કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. જેમાં મિલકતવેરામાં રૂા. 32 કરોડ, પાણી ચાર્જમાં રૂા. 6 કરોડ, સ્ટ્રીટલાઇટ ચાર્જમાં રૂા. 5.66 કરોડ, વાહન કરમાં 3.17 કરોડ, સોલિડવેસ્ટ કલેકશન ચાર્જમાં રૂા. 2.84 કરોડ, ક્ધઝર્વેશન અને સુવરએઝ ટેકસમાં 1.50 કરોડ, ફાયર ચાર્જમાં 78 લાખ તથા પર્યાવરણ સુધારણા ચાર્જમાં 78 લાખનો વધારો સૂચવવામાં આવ્યો છે.
આત્મનિર્ભર જામનગરના ઉદેશ્યને પરિપૂર્ણ કરવા માટે હાલના ચાર્જિસમાં વધારો સૂચવવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. કમિશનરે સૂચવેલા દરોમાં સૌથી વધુ ફોકસ મિલ્કત વેરા પર કરવામાં આવ્યું છે. મિલકતવેરામાં રૂા. 180થી માંડીને રૂા. 340 સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે. ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેકસના આકારણી દરમાં પણ 0.50 થી માંડીને 3 સુધીના ભારાંક વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણી ચાર્જમાં રૂા. 350ના વધારાની દરખાસ્ત પણ બજેટમાં કરવામાં આવી છે. હાલ ફિકસ કનેકશન ધારકો પાસેથી રૂા. 1150નો ચાર્જ લેવામાં આવે છે. જે વધારીને રૂા. 1500 કરવાનું સૂચવવામાં આવ્યું છે. જયારે મિટરથી અપાતા પાણીના ચાર્જમાં પણ પ્રતિ હજાર લીટરે રૂા. પનો વધારો સૂચવાયો છે. હાલમાં આ ચાર્જ પ્રતિ હજાર લીટરે રૂા. 10 વસુલવામાં આવે છે. જયારે સ્લમ વિસ્તારના ઘર વપરાશના પાણીનો ચાર્જ 575 થી રૂા. 750 કરવાનું સૂચવાયું છે. આ ઉપરાંત વાહન કરમાં દોઢથી 3.5 ટકા સુધીનો કરવધારો સૂચવવામાં આવ્યો છે.
બજેટમાં સોલિડવેસ્ટ કલેકશન ચાર્જમાં પણ વધારો સૂચવાયો છે. સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં રૂા.પથી માંડીને રૂા. 100 સુધીના વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક અને જામરણજીતસિંહજી પાર્કની એન્ટ્રી ફી રૂા. 10થી વધારી રૂા. 15 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
પર્યાવરણ સુધારણા અને ફાયર ચાર્જિસમાં પણ વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે. સ્ટ્રીટલાઇટ ચાર્જ તમામ મિલ્કતો માટે રૂા. 200 કરવામાં આવ્યો છે. આમ જામ્યુકોના બજેટમાં કુલ 53 કરોડનો નવો કરબોજ સૂચવવામાં આવ્યો છે. બજેટમાં કમિશનર દ્વારા નવી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી છે. જેમાં વડિલ સુખાકારી યોજના, આરોગ્ય કેન્દ્રના વિસ્તૃતિ કરણ, પર્યાવરણ જતન, સ્પોર્ટસ સંકુલ, મોડેલ સ્માર્ટ સ્કુલ, અત્યાધુનિક લાયબ્રેરી, મલ્ટી પર્પઝ હોલ વગેરેનો સમાવેશ થાય છે.
નલ સે જલ યોજના અંતર્ગત રણજીતસાગર ડેમ, મજબૂતીકરણ અને સુધારણાના કામ માટે રૂા. 5 કરોડનું આયોજન હાથ ધરવામાં આવશે. કમિશનરે રજૂ કરેલાં બજેટ અંગે અને કરદર વધારાની દરખાસ્ત માન્ય રાખવી કે ફગાવી દેવી અથવા આંશિક માન્ય રાખવી તે અંગે સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે ત્યારબાદ સુધારા-વધારા સાથે બજેટને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા તરફ મોકલવામાં આવશે.