ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના અને માસ મટન વેચાણ કરતી દુકાનો અને ગાલાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દોડતી થઈ ગઇ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતી 42 દુકાનો સીલ કરવા માટે દબાણ નિરીક્ષક સહિતની ટીમ સોમવારે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન 17 દુકાનો સીલ કરવામાં આવી હતી અને આજે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત સાંજના 4 વાગ્યા સુધીમાં 42 દુકાનો સીલ કરી હાઈકોર્ટમાં રીપોર્ટ રજૂ કરવામાં આવશે તેમ દબાણ નિરીક્ષકે જણાવ્યું હતું.
રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને માસ-મટનનું વેચાણ કરતી દુકાનો તથા ગાલાઓ બંધ કરાવવા માટે હાઈકોર્ટ દ્વારા સરકારને ફટકાર લગાવવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ હતી. હાઈકોર્ટના આદેશને પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી શહેરની હદ્દમાં આવેલી લાયસન્સ વગરની ગેરકાયદેસર માસ મટનનું વેચાણ કરતી દુકાનો સીલ કરવાની કામગીરીનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર નિતિન દિક્ષીત, ફુડઈન્સ્પેકટર એન.પી.જાસોલિયા, ઈન્ચાર્જ ઝોનલ ઓફિસર દિપક પટેલ, ફુડ ઈન્સ્પેકટર દશરથ આસોડિયા, દબાણ નિરીક્ષક અને ઈન્ચાર્જ સિકયોરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી તથા આસી. લેબર કમ વેલફેર ઓફિસર હસમુખ પાંડેર સહિતની ટીમે સોમવારે સાંજ સુધીમાં ગેરકાયદેસર 17 દુકાનો અને ગાલા સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર મટન શોપ સિલ કરવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. મહાપાલિકાની ટીમે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઈકોર્ટના આદેશની અમલવારી કરાવી હતી. ત્યારબાદ આ કામગીરી આજે બીજા દિવસે પણ સવારથી જ ચાલુ રાખવામાં આવી હતી અને સાંજના 4 વાગ્યા સુધીમાં બાકીની 25 દુકાનો પણ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આજ સાંજ સુધીમાં કુલ 42 દુકાનો સીલ કરવામાં આવશે તેમ દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળીએ ‘ખબર ગુજરાત’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.