Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારજાયવા નજીક ટ્રકે એકાએક વણાંક લેતાં કાર ટ્રક પાછળ ઘુસી ગઇ

જાયવા નજીક ટ્રકે એકાએક વણાંક લેતાં કાર ટ્રક પાછળ ઘુસી ગઇ

ધડાકાભેર અથડાતાં કારમાં બેસેલા સાસુ, જમાઇ અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત : કારનો ભુક્કો બોલી ગયો : અન્ય ચાર વ્યક્તિઓને ઇજા : બે વ્યક્તિઓની હાલત ગંભીર

- Advertisement -

ધ્રોલ પંથકમાં સપ્તાહ દરમિયાન ગમખ્વાર અકસ્માતની એક પછી એક ત્રણ ઘટનાઓ બની છે. જેમાં 26મી જાન્યુઆરીના રાત્રીના સમયે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા પાસે આવેલી આશાપુરા હોટલ સામે લગ્નપ્રસંગમાંથી જામનગર પરત ફરી રહેલા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માતમાં સાસુ-જમાઇ અને બે વર્ષની બાળકી સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

- Advertisement -

ધ્રોલ પંથકના ધોરીમાર્ગો પર આ સપ્તાહ દરમિયાન એક પછી એક ત્રણ અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં ધ્રોલ-ટંકારા હાઇવે પર કાર અને આઇસર વચ્ચેના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. તેમજ અન્ય એક બનાવમાં છકડો અને કાર વચ્ચેના અકસ્માતમાં છકડા ચાલકનું મોત નિપજ્યાની ઘટના એક જ દિવસમાં બની હતી. ત્યારબાદ તા. 26મી જાન્યુઆરીના ગુરુવારે રાત્રીના 11:30 વાગ્યાના અરસામાં જામનગર શહેરના વાલકેશ્ર્વરીનગરી વિસ્તારમાં રહેતાં નયનભાઇ દેવરાજભાઇ મોડીયા તેમના પરિવાર સાથે રાજકોટ સાઢુભાઇની દિકરીના લગ્ન પ્રસંગેથી જામનગર પરત આવવા રવાના થયા હતાં. તે દરમિયાન ધ્રોલથી લૈયારા તરફના માર્ગ પર જાયવા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-10 ડીજે-6818 નંબરની અમેઝ કારની આગળ પૂરઝડપે અને બેફિકરાઇથી જતાં પીબી-03 એપી-6155 નંબરના ટ્રક ચાલકે એકાએક વણાંક લેતાં પાછળથી આવતી કાર ધડાકાભેર ટ્રકની પાછળના ભાગમાં અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં નયનભાઇ દેવરાજભાઇ મોડિયા (ઉ.વ.53) અને મુકતાબેન ગિરધરભાઇ રામોલિયા (ઉ.વ.70) તથા આરવિબેન રવિભાઇ મોડિયા (ઉ.વ.2) નામના સાસુ, જમાઇ અને બે વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ ત્રણેયના મોત નિપજ્યા હતાં. તેમજ નયનાબેન મોડિયા, રવિભાઇ મોડિયા, વિધી મોડીયા અને આરવ મોડીયા સહિતના ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણ મૃતદેહોનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અરવિંદભાઇ છત્રોલાના નિવેદનના આધારે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

લગ્નગાળાની સિઝનમાં અકસ્માતની ઘટનાઓ વધી
તા. 26મી જાન્યુઆરીના દિવસે વસંત પંચમી હોવાથી લગ્ન માટે સૌથી ઉત્તમ દિવસ ગણાય છે. તેમજ સાથે-સાથે પ્રજાસત્તાક પર્વ પણ ઉજવવામાં આવી રહ્યો હતો. આ વર્ષે કમુરતા પૂર્ણ થયા બાદ ગતસપ્તાહ જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શુભ મુહુર્તો વધુ હોવાથી હજારો લગ્નો યોજાયા હતાં. આ લગ્નગાળાની સિઝન દરમિયાન હાલારમાં અકસ્માતોની ઘટનાઓ પણ વધી ગઇ હતી. જેમાં ધ્રોલ નજીક કાર આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતાં સાસુ, જમાઇ અને બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. તેમજ ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામમાં યોજાયેલા સમુહ લગ્નમાં હાજરી આપવા જતાં સમયે વાહન અકસ્માતમાં બે મિત્રોના મોત નિપજ્યાની ઘટના બની હતી. આમ, લગ્ન પ્રસંગની સિઝનમાં અકસ્માતોમાં મૃત્યુઆંક વધી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular