ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા મહાન વીરોની સ્મૃતિમાં આગામી તા.૩૦ જાન્યુઆરીના રોજ શહિદ દિન ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે ૧૧:૦૦ કલાકે ૨ મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ અર્પણ કરનારા મહાન વીરો પ્રત્યે ઋણ અદા કરવામાં આવે છે. સમગ્ર દેશમાં આ દિવસે શક્ય હોય તેટલા પ્રમાણ કામકાજ અને વાહન વ્યવહારની ગતિ ૨ મિનિટ પૂરતી બંધ રાખવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લાના લોકોને પણ શહીદ દિન નિમિત્તે ૨ મિનિટનું મૌન પાળવા અંગે નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જેથી આ દિવસની મહ્ત્વતાને ધ્યાનમાં રાખીને આગામી તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ શહિદ દિન નિમિતે સવારે ૧૧:૦૦ કલાકે ૨ મિનિટ મૌન પાળવા અંગે રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, શહિદ દિનના દિવસે સવારે ૧૧:૦૦ કલાકે સમગ્ર રાજ્યમાં ૨ મિનિટ મૌન પાળવાનું રહશે. તેમજ કામકાજ અને વાહન વ્યવહારની ગતિ તેટલા સમય માટે બંધ રાખવાની રહેશે.
જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦:૫૯ કલાકે ૧ મિનિટ એટલે કે ૧૧:૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી ૨ મિનિટ માટે મૌન પાળી સૂચના આપવાની રહેશે. ૨ મિનિટ બાદ એટલે કે ૧૧:૦૨ કલાકથી ૧૧:૦૩ કલાક સુધી સાયરન ફરીથી વગાડવાની રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ શરૂ કરવાનું રહેશે. જે સ્થળોએ સાયરન કે ઉપર મુજબના સંકેતની વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં સાયરન સંભળાય એટલે સૌ કોઈએ પોતપોતાની જગ્યા પર શાંત ઉભા રહીને, શક્ય હોય તો ભેગા મૌન પાળવાનું રહેશે. જે સ્થળોએ સાયરન કે અન્ય કોઈ સંકેતની વ્યવસ્થા ન હોય ત્યાં ૧૧:૦૦ કલાકે ૨ મિનિટ માટે મૌન પાળવા અંગે સંબંધિતોને જાણ કરવા અંગેના જરૂરી આદેશો બહાર પાડવાના રહેશે.
શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ અવસર ગંભીરતાથી લેવાય અને શહીદો પ્રત્યે શ્રદ્ધા- સન્માનની ભાવના જાગૃત થાય, તેથી શહિદ દિને શહીદો પ્રત્યે દરેક વર્ગના લોકો સક્રિયપણે સાથ-સહકાર આપે તે માટે શહિદ દિને પગલાં લેવા માટે ગૃહ મંત્રાલય, કેન્દ્ર સરકારની સ્થાયી સૂચના મુજબ અમલ કરવાનો રહેશે.
જેમાં, શહિદ દિનનું મહત્વ સમજાય અને યોગ્ય રીતે તેની ઉજવણી થાય તે માટે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ/ કોર્પોરેશન વગેરે જગ્યાઓ પર દેશની સ્વતંત્રતા અંગેના વક્તવ્ય, સંવાદ વગેરેનું એવી રીતે આયોજન કરવામાં આવે કે જેથી દેશને અનેક સંઘર્ષ બાદ મળેલ સ્વતંત્રતાનું મહત્વ સમજાય અને નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના ઉભી થાય. તેમજ પ્રસારણ ક્ષેત્રના યુનિટો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં શહિદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયો પર સંસ્કૃતિ કાર્યક્રમો, ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું પ્રસારણ કરવું. રાજ્યના વિવિધ વાણિજ્ય અને ઉદ્યોગ સંઘો દ્વારા શહિદ દિન યોગ્ય રીતે મનાવવામાં આવે તે જોવા માટે સંબંધિત વહીવટી વિભાગને સૂચના આપવામાં આવે છે. તમામ વિભાગોએ તથા વિભાગ હેઠળના ખાતાના વડાઓ, બોર્ડ/ કોર્પોરેશન, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે જગ્યાઓએ શહીદ દિન યોગ્ય રીતે અને ભારત સરકાર દ્વારા બહાર પડાયેલી સૂચનાઓ મુજબ મનાવાય તે માટે જરૂરી સૂચનાઓ પાઠવવા માટે સામાન્ય વહિવટ વિભાગ, રાજ્ય સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.