જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં સાંજના સમયે યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી બુકાનીધાર શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કર્યાના બનાવમાં ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, સોમવારે સાંજના સમયે જામનગરના ગુલાબનગર પાસે આવેલા રાજ ઓટો ગ્લાસ નામની દુકાનમાં હિતેશભાઈ ચાવડા નામનો યુવાન તેના મિત્રની થાર જીપમાં ગ્લાસ નખાવવા ગયા હતાં તે દરમિયાન અગાઉની માથાકૂટનો ખાર રાખી સુરેશ ઉર્ફે સુર્યોે વિજય સોનારા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ મોઢે રૂમાલ અને માથે ટોપી પહેરી ગુલાબનગર ધસી આવ્યા હતા અને ત્યાં હિતેશને અપશબ્દો બોલી પાઈપના આડેધડ ઘા મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. તેમજ હિતેશના મિત્ર યુવરાજસિંહ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી તેની થાર કારમાં આડેધડ ઘા મારી કાચ તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું. યુવાન ઉપર હુમલો અને તેના મિત્રની જીપમાં તોડફોડ અંગે ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ડીવાયએસપી વરૂણ વસાવા તથા સ્ટાફે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.