જામનગર તાલુકાના સીક્કામાં રહેતી યુવતીના લગ્નના પાંચ દિવસ બાદ જ પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધની જાણ થતા નવોઢા યુવતીએ પતિના ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવમાં મૃતકની માતા દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે મૃતકના પતિ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
સંતાનોના લગ્ન એ માતા-પિતાની મોટી જવાબદારી હોય છે. જેથી લગ્ન બાદ સંતાનોનું લગ્નજીવન સુખમય નિવડે તેવી પ્રાર્થનાઓ ભગવાન પાસે કરતા હોય છે. પરંતુ હાલમાં જ અરેરાટીજનકના બનાવની વિગત મુજબ,જામનગર તાલુકાના સીક્કા હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતાં મેઘજીભાઈ નારણભાઈ ઘેડિયા નામના વૃદ્ધે તેની પુત્રી જ્યોત્સનાબેનના લગ્ન જામજોધપુર ગામમાં એકસીસ બેંક રોડ પર પૂનમ હોટલ વાળી શેરીમાં રહેતાં ધિરજલાલ હિરજીભાઈ ચિત્રોડાના પુત્ર ચેતન સાથે નકકી કર્યા હતાં અને ચેતનભાઈ તથા જ્યોત્સનાબેનના લગ્ન રાજીખુશીથી ગત તા.4 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યા હતાં પરંતુ ઘેડિયા પરિવારને કયાં જાણ હતી કે પુત્રીના લગ્ન સુખમય નહીં નિવડે.
લગ્નજીવનની શરૂઆત થતાની સાથે જ જ્યોત્સનાબેનને તેના પતિ ચેતનનું અન્ય પટેલ સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા અને ચેતન આ સ્ત્રીને જ્યોત્સનાબેનની સાથે જ ઘરમાં રાખવા માંગતો હતો. જેના કારણે લગ્નના દિવસથી જ જ્યોત્સનાબેનને પતિ ચેતન દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના બીજા દિવસથી જ પતિના અનૈતિક સંબંધોની જાણ અને પતિ દ્વારા અપાતા ત્રાસથી લગ્નજીવનના પાંચમા દિવસે જ જ્યોત્સનાબેને એટલે કે 9 ડિસેમ્બરના રોજ સવારના સમયે તેના સાસરે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નવોઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં શનિવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકની માતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.જી. વસાવા તથા સ્ટાફે મૃતકના પતિ ચેતન વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.