વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ કર્મીઓ માટેના ભરતી અભિયાન રોજગાર મેળા અંતર્ગત આજે લગભગ 71 હજાર યુવાનોને વર્ચ્યુઅલી નિમણુંક સોંપ્યા હતા. આ તકે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યુવાનોને સંબોધન કર્યું હતું. પીએમઓએ જણાવ્યું હતું કે રોજગાર સર્જનને મુખ્ય પ્રાથમિકતા આપવાની વડાપ્રધાન પ્રતિબધ્ધતા પુરી કરવાની દિશામાં આ રોજગાર મેળો મહત્વનું પગલું છે. રોજગાર મેળો રોજગાર સર્જનમાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે અને યુવાનોને તેમના સશકિતકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે સાર્થક અવસર મળશે. આ રોજગાર મેળામાં જુનિયર એન્જીનીયર લોકો પાયલોટ, ટેકનિશ્યન નિરિક્ષક, ઉપ નિરિક્ષક, કોન્સટેબલ, જુનીયર એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર, ગ્રામીણ, ટપાલ, સેવક વગેરે પદો પર નિમણુંક પત્રો અપાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન નવનિયુકત કર્મી કર્મયોગી પ્રારંભ મોડયુલનાં બારામાં તેમનાં અનુભવ પણ શેર કર્યા હતા. કર્મયોગી પ્રારંભ મોડયુલ વિભિન્ન સરકારી વિભાગોમાં બધા નવ નિયુકત કર્મચારીઓ માટે ઓનલાઈન આરંભીક અભ્યાસક્રમ છે.
તેમાં સરકારી સેવકો માટે આચાર સંહીતા, કાર્યસ્થળ પર નૈતિકતા સત્ય નિષ્ઠા અને માનવ સંસાધન નીતિઓ સામેલ છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ 2022 માં 22 ઓકટોબરે 10 લાખ લોકોને ભરતી માટે રોજગાર મેળો શરૂ થયો હતો અને બેરોજગારીના મુદ્દા પર વિપક્ષની સતત ટીકા વચ્ચે ગત આઠ વર્ષમાં રોજગારનું સર્જન કરવા માટે સરકારના પ્રયાસોને રેખાંકીત કરાયા હતા. આ મેળામાં ત્યારે કુલ 45 મંત્રીઓએ ભાગ લીધો હતો. જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયેલ, હરદીપ પુરી, અનુરાગ ઠાકુર વગેરે ઉપસ્થિત હતા.