રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ છેલ્લાં બે દિવસથી જામનગર શહેર અને જિલ્લાના વાર્ષિક ઈન્સ્પેકશન માટે રોકાયા છે. આઈજીના રોકાણ દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરી ડામવા માટે જુદાં-જુદાં સ્થળોએ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદનો ધોધ વરસ્યો છે. આ લોક દરબારમાં પોલીસ પુત્ર વિરૂધ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે. ઈન્સ્પેકશન દરમિયાન આઈજીને સલામી આપવા હેડકવાર્ટર ખાતે પોલીસ પરેડ યોજાઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ સમગ્ર રાજ્યમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લામાં પણ આ ઝુંબેશ હાથ ધરાઇ છે. દરમિયાન રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ જામનગર શહેર અને જિલ્લાના વાર્ષિક ઈન્સ્પેકશન માટે જામનગરમાં રોકાયા છે ત્યારે વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશના લોક દરબારમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ઓપન થિયેટર, સ્પોર્ટસ સંકુલ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આઈજીએ એસપી કચેરી ખાતે એમ.ટી., એચયુનું નોટ રીડીંગ અને દરેક શાખા વાઈઝ વર્ષ દરમિયાન થયેલી કામગીરીની વિગતો મેળવી હતી. ઓર્ડલી રૂમ, પોલીસ અધિકારીઓના પર્સનલ ઈન્ટરવ્યૂ બાદ ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં એલસીબી, એસઓજી તથા શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી કચેરી હેઠળના ડીવીઝનોની હેડકવાર્ટર ખાતે કામગીરીની વિગતો મેળવી અને અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતાં તથા પોલીસ હેડકવાર્ટર ખાતે ડોગસ્કવોર્ડ સહિતના યુનિટની મુલાકાત લીધી હતી.
જામનગર જિલ્લા જેલની મુલાકાત દરમિયાન આઈજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઈજીના સમગ્ર ઈન્સ્પેકશન દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી એમ.બી. સોલંકી, વરૂણ વસાવા, ડી.પી.વાઘેલા તથા પોલીસ ઈન્સ્પેકટરો ખડેપગે રહ્યા હતાં. મંગળવારે શંકરટેકરીમાં કામદાર કેન્દ્ર ખાતે અનુસૂચિત જાતિના વિસ્તારની મુલાકાત લીધી હતી. આજે બુધવારે હેડ કવાર્ટર ખાતે આઈજી દ્વારા મોકડ્રીલ, બોમ્બ સ્કવોર્ડ, ઘોડેસવારી સહિતની પોલીસની કામગીરીઓ અને પ્રજા સાથેનો તાલમેલ કેવા પ્રકારનો છે ? તે અંગેની વિગતો મેળવશે. રેંજ આઈજીના ઈન્સ્પેકશનમાં યોજાયેલા વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશના લોક દરબારમાં પોલીસની કામગીરીની પ્રજા દ્વારા સરાહના કરવામાં આવી હતી.