રાજકોટ રેંજ આઈજીના નેજા હેઠળ જામનગરના સિટી એ ડીવીઝન વિસ્તારમાં વ્યાજખોરી ડામવા માટે યોજાયેલા લોકદરબારમાં ફરિયાદનો રાફડો ફાટયો હતો. જેમાં જુદી જુદી સાત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ દરબારમાં પોલીસ પુત્ર સહિતના વ્યાજખોરો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. રાજ્યભરમાં વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશ અંતર્ગત અસંખ્ય ફરિયાદો નોંધાઈ રહી છે અને પોલીસની આ કામગીરીને સરાહનીય અને પ્રજાલક્ષી ગણાવી રહ્યા છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતમાંથી વ્યાજખોરી ડામવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક દરબાર અને જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ જનસભાના પ્રારંભથી વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદનો ધોધ વહી રહ્યો છે અને વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી જમીન-મકાન પચાવી પાડવા સહિતના ત્રાસની ફરિયાદો થઈ રહી છે. રાજ્યની સાથે-સાથે જામનગરમાં સોમવારે રાજકોટ રેંજ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લાનું ઈન્સ્પેકશનની સાથે સાથે લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં દરબારગઢ પોલીસ ચોકી પાસેના લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત લોકો દ્વારા વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી જેમાં કુલ સાત ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ ફરિયાદમાં પ્રથમ ફરિયાદ જામનગર શહેરમાં કામદાર કોલોનીમાં રહેતાં ચંદ્રેશભાઈ કાબાભાઈ પાંભર નામના નિવૃત્ત પ્રૌઢ દ્વારા રાજકોટના રમેશ નરશી વસોયા, જયશ્રીબેન રતીલાલ રંગાણી, વિજય રંગાણી, શીતલબેન વિજય રંગાણી નામના ચાર વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં ચંદ્રેશભાઈએ વર્ષ 2013-14માં ધંધાના વિકાસ માટે રૂા.50,00,000 ની રકમ 2% વ્યાજે લીધા હતાં અને આ રકમનું કટકે કટકે વ્યાજ મળી કુલ રૂા.1 કરોડ ચૂકવી દીધા હતાં. તેમજ સિકયોરિટી પેટે પ્રૌઢની ફાચરીયા ગામની સીમમાં આવેલી રૂા.80,00,000 ની કિંમતની જમીન પચાવી પાડવા માટે દાવો દાખલ કરી પ્રૌઢ વેપારી પાસેથી પઠાણી વ્યાજ વસૂલ કરી છેતરપિંડી તથા વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે દંપતી સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
વેપારી ચંદ્રેશભાઈ દ્વારા જામનગરના હસમુખભાઇ ફલિયા પાસેથી રૂા.15 લાખ વ્યાજે લીધા હતાં. ત્યારબાદ હસમુખભાઈનું મૃત્યુ નિપજ્યા પછી આશિષ હસમુખ ફલિયા, જય હસમુખ ફલિયા, રાકેશ દિનેશ ફલિયા નામના ત્રણ શખ્સોએ રૂા.15,00,000નું પાંચ ટકા લેખે વ્યાજ વસૂલ કરતા હતાં અને એક દિવસ વ્યાજ મોડું થાય તો પેનલ્ટી પેટે રૂા.500 વસૂલ કરી પ્રૌઢ પાસેથી રૂા.63,00,000 પડાવ્યા હતાં તેમજ ફેકટરી વેંચીને રૂા.15,00,000 મૂળ રકમ ચૂકવી દીધી હોવા છતાં ત્રણેય વ્યાજખોરોએ વેપારી પાસેથી બેંકના કોરા ચેક લીધેલ હતાં જે પરત નહીં કરી વેપારી પાસેથી રૂા.30,00,000 વધારાના વસૂલ કર્યા હતાં. આ અંગેની ચંદ્રેશભાઈ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પીએસઆઈ વી.બી. બરસબીયા તથા સ્ટાફ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્રીજી ફરિયાદ જામનગરના લીંડીબજારમાં વેપાર કરતા હાસમભાઈ અબ્દુલગફાર સમા નામના પ્રૌઢે બજરંગ ફાયનાન્સના પ્રોપરાઇટર સંજયસિંહ સરદારસિંહ ચુડાસમા તથા પ્રીયરાજસિંહ કુલદિપસિંહ જાડેજા પાસેથી રૂા.10 હજાર 10 ટકા વ્યાજે લીધા હતાં અને તેની સિકયોરિટી પેટે સહી કરેલ કોરો ચેક આપ્યો હતો. આ રકમનું રૂા.12 હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર દ્વારા પ્રૌઢને અપશબ્દો બોલી માર મારી વધુ મારવાની ધમકી આપતા મૂળ રકમ પણ ચૂકવી દીધી હોવા છતાં બંનેએ સિકયોરિટી પેટે આપેલ ચેક પરત કર્યા ન હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે તપાસ આરંભી હતી.
ચોથી ફરિયાદ, જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા કોમલબેન સુરેશભાઈ શર્મા નામના ઘરકામ કરતા મહિલાએ જામનગરના નિલેશ ઉદયશંકર દિક્ષીત પાસેથી રૂા.20,000ની રકમ 10 ટકા ઉંચા વ્યાજે લીધી હતી અને સિકયોરિટી પેટે મહિલાએ સહી કરેલ કોરો ચેક આપ્યો હતો. આ રકમ પેટે મહિલાએ રૂા.15,000ની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં વ્યાજખોરે રૂા.1,15,000ની રકમનો ચેક ભરી રીટર્ન કરાવી પઠાણી ઉઘરાણી કરતાં હોવાની ફરિયાદના આધારે હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે નિલેશ દિક્ષીત વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પાંચમી ફરિયાદ જામનગરના ક્રિષ્ના કોલોની વિસ્તારમાં રહેતાં અને મીનરલ વોટરનો વ્યવસાય કરતા સુમિતભાઈ ચાન્દ્રાએ વર્ષ 2017 માં ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા, પ્રશાંત દુર્લભ વાયા અને જીજ્ઞેશ ચાવડા પાસેથી રૂા.1,20,000 ની રકમ 1%ની વ્યાજે લીધા હતાં. જેની સિકયોરિટી પેટે 15 ગ્રામનું મંગલસુત્ર અને પેન્ડલ મળી 18 ગ્રામ તથા સોનાની બુટી અને સોનાની જૂની કટકી મળી કુલ 49 ગ્રામ સોનુ ગીરવે મૂકયું હતું. ત્યારબાદ એક મહિના પછી વેપારી યુવાને ત્રણેય વ્યાજખોરોને વ્યાજની રકમ સહિત કુલ રૂા.1,21,200 ચૂકવી દીધા હતાં. જેથી વેપારીએ સિકયોરિટી પેટે મૂકેલા દાગીનાઓ પરત માંગતા વ્યાજખોરોએ આ દાગીનાઓ બેંકમાં મૂકી ગોલ્ડ લોન મેળવી લીધી હતી. જેથી વેપારીએ દાગીના પરત માગતા અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી વિશ્ર્વાસઘાત કર્યાની સુમિતભાઈએ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
છઠ્ઠી ફરિયાદ જામનગરના પટણી વાડમાં રહેતાં અને પથારો પાથરી વ્યવસાય કરતાં સમીર સકીલભાઈ ચૌહાણ નામના યુવાને તેના જ વિસ્તારમાં રહેતા શાહરુખ ફારુક ખતાઈ પાસેથી રૂા.20,000 ની રકમ છ માસ પહેલાં 20% વ્યાજે લીધી હતાં અને વ્યાજખોરને રૂા.12,000 વ્યાજપેટે ચૂકવી દીધા બાદ વ્યાજખોર દ્વારા ત્રણ માસનું વ્યાજ-પેનલ્ટી ચાર્જ 25000 અને મુળ રકમ 20,000 મળી કુલ રૂા.45,000 ની પઠાણી ઉઘરાણી કરી અવાર-નવાર ધાકધમકી આપતા વ્યાજખોરના ત્રાસથી યુવાને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ બનાવમાં પીએસઆઈ વી.આર.ગામેતીએ સમીરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
સાતમી ફરિયાદ લાલપુરના મોદીશેરીમાં રહેતાં પંકજકુમાર કાંતિલાલ મેસવાણિયા નામના મજૂરી કામ કરતા પ્રૌઢે તેના પુત્રની સારવાર માટે તેમજ ધંધામાં ખોટ જતા રૂપિયાની જરૂર પડતા પ્રૌઢે જામજોધપુરના રશ્મીબેન મનસુખ ખાંટ, ભાવેશ મગન ચનિયારા, અમિતકુમાર ચંદુલાલ ફળદુ, જીજ્ઞેશ ભાણવડિયા અને વિજય શીલુ પાસેથી ઉંચા વ્યાજે રકમ લીધી હતી. આ રકમની સિકયોરિટી પેટે વ્યાજખોરોએ પ્રૌઢ અને તેની પત્નીના સહીવાળા કોરા ચેકો લઇ લીધા હતાં. તેમજ પ્રૌઢે વ્યાજખોરોને નાણાં પરત આપ્યા હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપતા હતાં ઉપરાંત ભાવેશ ચનિયારા દ્વારા પ્રૌઢને મારી નાખવાની ધમકી આપી જામજોધપુરમાં આઈકોન પ્લાઝા ખાતે આવેલી પ્રૌઢની દુકાનના વેચાણ દસ્તાવેજ બળજબરીપૂર્વક કરાવી લઇ પઠાણી ઉઘરાણી કરી પ્રૌઢને પરિવાર સાથે ગામ છોડવા મજબુર કરતા પ્રૌઢ ગામ મૂકીને જતાં રહ્યાં હતાં. ત્યારબાદ પ્રૌઢે સોમવારે જામનગરમાં યોજાયેલા આઈજીના લોકદરબારમાં વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એન.ચૌહાણ તથા સ્ટાફે પાંચ વ્યજાખોરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આઈજીના લોકદરબારમાં વ્યાજખોરોથી પીડિત લોકોની સાથે સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં આ આગેવાનોમાં મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, અસલમ ખીલજી, અલ્તાફ ખફી તથા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ભરતભાઇ પટેલ, કિશોરભાઈ ભુવા, સુરેશભાઇ તન્ના, બિપીનભાઈ મહેતા, રક્ષિતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કિરીટભાઈ મહેતા અને ભરતભાઈ પટેલ દ્વારા આઈજીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.