ભારતીય કોર્પોરેટ જગત 2023માં સરેરાશ 9.8 ટકાનો પગારવધારો કરશે એવી શક્યતા છે. તે 2022ના 9.4 ટકાના ઇન્ક્રિમેન્ટ કરતા સહેજ વધુ છે એવું તારણ એક સરવેમાં જારી કરાયું છે. જોકે, ઉત્કૃષ્ટ ટેલેન્ટને સરેરાશ કરતાં ઘણી વધુ રકમ ચુકવાશે. કોર્ન ફેરીના ભારત માટેના તાજેતરના સરવેમાં જણાવ્યા અનુસાર કંપનીઓએ મહત્વની ટેલેન્ટને વિવિધ પગલાં દ્વારા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરવેમાં 818 કંપનીઓને આવરી લેવામાં આવી હતી. જેના 8 લાખથી વધુ કર્મચારીઓએ 2023માં 9.8 ટકાના ઇન્ક્રિમેન્ટની શક્યતા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, મહામારીના વર્ષ 2020માં ઇન્ક્રિમેન્ટ નોંધપાત્ર ઘટાડા સાથે 6.8 ટકા રહ્યું હતું. જોકે, વૃદ્ધિનો વર્તમાન ટ્રેન્ડ ઉજ્જવળ ભાવિ તરફ ઇશારો કરે છે.
સરવેમાં લાઇફ સાયન્સિસ અને હેલ્થકેર તેમજ હાઇ ટેક્નોલોજી ક્ષેત્ર માટે સૌથી વધુ 10.2 ટકા અને 10.4 ટકા ઇન્ક્રિમેન્ટનો અંદાજ દર્શાવાયો છે. કોર્ન ફેરીના ચેરમેન અને રિજનલ એમડી નવનીત સિંઘે જણાવ્યું હતું કે, વિશ્ર્વભરમાં મંદી અને આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની ચર્ચા ચાલી રહી છે પણ ભારતીય અર્થતંત્રમાં 6 ટકાથી વધુ વૃદ્ધિનો અંદાજ છે. સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, ટોપ ટેલેન્ટ માટે પગારમાં 15 ટકાથી 30 ટકા સુધીનું ઇન્ક્રિમેન્ટ આવી શકે. સર્વિસિસ સેક્ટરમાં 9.8 ટકા, ઓટોમાં 9 ટકા, કેમિકલમાં 9.6 ટકા, કન્ઝ્યુ. ગુડ્સમાં 9.8 ટકા અને રિટેલ ક્ષેત્રે 9 ટકા વૃદ્ધિનો અંદાજ છે. મેક્રોઇકોનોમિક આઉટલૂક સાનુકૂળ છે ત્યારે બિઝનેસ પર નવા દબાણ ઊભા થઈ રહ્યા છે. જેમાં ગ્રાહકોની બદલાતી પસંદગી, ડિજિટલ પરિવર્તન, વધતો સહયોગ સહિતની બાબતો સામેલ છે.
મોટા ભાગના બિઝનેસે આવી માંગને પહોંચી વળવા કર્મચારીઓમાં મોટા ફેરફારની જરૂર ઊભી થશે અને તો જ તેઓ હરિફાઇમાં આગેવાની જાળવી શકશે. ભારતમાં પ્રથમ હરોળના શહેરોમાં કર્મચારીઓને બીજા અને ત્રીજા હરોળના શહેરો કરતાં ઊંચો પગાર મળે છે. જોકે, હાઇબ્રિડ મોડલ અને દૂરના સ્થળેથી પણ કર્મચારીને કામ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ અને પુણે જેવી બીજી હરોળના શહેરોમાં કર્મચારીઓને મળતી નિશ્ચિત વાર્ષિક રોકડ પ્રથમ હરોળના કર્મચારીઓને સ્પર્ધા પૂરી પાડી રહી છે.