જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી યુવતીને શખ્સ ઘણા સમયથી અવાર-નવાર પીછો કરી પરેશાન કરતો હતો. તેમજ પાંચેક દિવસ પહેલાં યુવતીને રોકીને બળજબરીથી છેડપી કર્યા બાદ થયેલી બોલાચાલીનો ખાર રાખી નરાધમે યુવતી ઉપર કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હિચકારા હુમલાની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારમાં રહેતો ફૈઝલ ઉર્ફે ટીટો નામનો શખ્સ ઘણાં સમયથી પીછો કરીને પરેશાન કરતો હતો અને પાંચેક દિવસ પહેલાં તો ફૈઝલે હદ વટાવીને યુવતીનું એકટીવા રોકાવી બળજબરીથી હાથ મરડી અને છેડતી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે જીભાજોડી થઈ હતી. આ જીભાજોડીનો ખાર રાખી ફૈઝલે શંકરટેકરી રામનગર વિસ્તારમાં યુવતીની હત્યા નિપજાવવાના ઈરાદે પૂરઝડપે કાર ચડાવી દઇ હડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં બનાવની જાણ થતા પીઆઈ પી.એલ.વાઘેલા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવતીના નિવેદનના આધારે ફૈઝલ ઉર્ફે ટીટો નામના શખ્સ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શખ્સની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.