જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એફસીઆઇ ગોડાઉન પાછળ આવેલા કારખાનામાં ઓફિસમાં રહેલાં કબાટના લોક તોડી તેમાંથી રૂા.2,96,370 ની રોકડ રકમની ચોરી કરી ગયાના બનાવની મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વધતા જતાં તસ્કરોના તરખાટથી લોકો ત્રાસી ગયા છે અને છેલ્લાં થોડાં સમયથી એક પછી એક ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જો કે, ચોરીની ઘટનાઓ ડામવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાં તસ્કરો બેખોફ બની એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.વધુ એક ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એફસીઆઈના ગોડાઉન પાછળ આવેલા એક કારખાનામાંથી ગત તા.9 જાન્યુઆરીના સાંજના 7:30 વાગ્યાથી 10 તારીખ સવારના 7:30 વાગ્યાના સુધીના 12 કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી કારખાનાની ઓફિસમાં રહેલા કબાટના લોક તોડી તેમાં રાખેલ રૂા.2,96,370 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવ અંગે કારખાનાના મેનેજર ભાવેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતાં અને કારખાનામાં કામ કરતા મજૂરોની પૂછપરછ દરમિયાન પોલીસના પ્રાથમિક તારણમાં કોઇ શ્રમિકે જ રોકડની ચોરી કરી હોવાનું જણાતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. પોલીસ પણ વધતા જતાં ચોરીના બનાવો ડામવા માટે કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.