બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારાના સમર્થકો રાજધાની બ્રાઝિલિયામાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બોલ્સોનારોના સમર્થકો નવા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વાના શપથ ગ્રહણ સામે હિંસક વિરોધ કરી રહ્યા છે. સેંકડો વિરોધીઓ પણ બ્રાઝિલિયન કોંગ્રેસ (સંસદ ગૃહ), રાષ્ટ્રપતિ મહેલ અને સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ્યા. પોલીસે સરકારી ઈમારતોમાં ઘૂસેલા 400 જેટલા દેખાવકારોની ધરપકડ કરી હતી.
બ્રાઝિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારાના સમર્થકોએ સંસદ ભવન અને મંત્રાલયોની ઇમારતમાં ઘૂસીને ભારે હંગામો મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો અને વીડિયો અનુસાર ઝંડો લઈને હજારો લોકો રાજધાની બ્રાઝિલિયાના સંસદ સંકુલમાં પ્રવેશ્યા હતા. ભીડમાંથી ઘણા લોકો ગૃહમાં સ્પીકરની ખુરશી પર ચઢી ગયા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સ્પીકરની ખુરશી પાસે જઈને માઈક તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ જયારે પોલીસે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે બદમાશોએ તેમના પર પણ હુમલો કર્યો.
સમર્થકોએ કોંગ્રેસ બિલ્ડિંગના દરવાજા અને બારીઓ તોડી નાંખ્યા હતા,બાદમાં સાંસદોની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમને રોકવા માટે કરાયેલી વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ હતી. દેખાવકારોને કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરતા અટકાવવા માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જયારે પ્રદર્શનકારીઓ હિંસક બન્યા ત્યારે પોલીસે તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા.