જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ તહેવારમાં ચાઇનીઝ દોરા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જુદાં-જુદાં છ સ્થળોએ દરોડા પાડી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીઓ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14 જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ રાજ્યભરમાં શરૂ થઈ ગઇ છે. આ તહેવાર માટે પતંગ-દોરા બનાવવા અને વેચાણ માટે ઠેક-ઠેકાણે સ્ટોલ શરૂ થઈ ગયા છે. જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝો દોરાનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની કડક કાર્યવાહીની સૂચના સંદર્ભે પોલીસે જુદા જુદા છ સ્થળોએ તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રથમ દરોડો એલસીબીના શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમે નવાગામ ઘેડમાં આવેલ જાન્હવી સિઝન સ્ટોર્સમાંથી રેઈડ દરમિયાન રૂા.16,500ની કિંમતની 110 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની ચરખીઓ કબ્જે કરી મહેશ પ્રવિણ મકવાણાની અટકાયત કરી હતી. જામનગરના રણજીતસાગર રોડ પર પ્રિતેશ હસમુખ ચાન્દ્રાને ત્યાંથી પ્રતિબંધિત ચાઇનીઝ પાંચ દોરા, જામનગરના વિનાયક પાર્ક વિસ્તારમાં બજરંગ સ્ટોર્સ નામની દુકાનમાંથી રૂા.4000 ની કિંમતની ચાઇનીઝ દોરાની પ્રતિબંધિત 20 નંગ ચરખી કબ્જે કરી વેપારી પરશોતમ ઉર્ફે જીતુ રમેશ કંટાલિયા, બેડી ગેઈટ વિસ્તારમાંથી, અશ્ર્વિન ઉર્ફે બકુલ ખેતાણીની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા 3 નંગ, જામનગરના ખોજા નાકા બહારના વિસ્તારમાંથી કાદર અલીમામદ બ્લોચને ચાઇનીઝ દોરા બે નંગ સાથે તથા જામજોધપુરમાંથી સંજય સોલંકીની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા એક નંગ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.