ખંભાળિયામાં રહેતા અને છૂટક વેપાર કરતા એક મહિલાની આર્થિક જરૂરિયાતનો ગેરલાભ લઈ તેણીને આશરે 20 ટકાના વ્યાજ દરથી રૂપિયા સવા લાખ જેટલી રકમ વસૂલ કર્યા બાદ પણ ફરિયાદી મહિલાનું રહેણાંક મકાન લખાવી લઈ, ઘરમાંથી કાઢી મુકવા અંગે એક મહિલા સામેની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના પઠાણ પાડો વિસ્તારમાં એક મસ્જિદની પાછળના ભાગે રહેતા અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઇ અને છૂટક વેચવાનો વ્યવસાય કરતા જરીનાબેન અબ્દુલભાઈ ઈબ્રાહીમભાઈ નાયક નામના 40 વર્ષના મુસ્લિમ મહિલાએ તેમને માલસામાનની જરૂરિયાત હોય, અહીંના વંડીફળી વિસ્તારમાં રહેતા રેશમાબેન સાલેમામદભાઈ સુંભણીયા નામના મહિલા પાસેથી થોડા સમય પૂર્વે રૂપિયા 1.65 લાખ લીધા હતા. જેનું વ્યાજ તેઓ દર મહિને 30,000 આપતા હતા. આ પછી ફરિયાદી જરીનાબેને સમયાંતરે રેશ્માબેન પાસેથી કુલ રૂપિયા 1.76 લાખ વ્યાજે લીધા હતા.
બાદમાં જરીનાબેનનો પ્લાસ્ટિકનો ધંધો વ્યવસ્થિત ન ચાલતા તેઓ નિયમિત રીતે રેશમાબેનને વ્યાજના પૈસા આપી શકતા ન હતા. પરંતુ આશરે એક વર્ષના સમયગાળા દરમિયાન જરીનાબેને રેશમાબેનને રૂા. 1.20 લાખ જેટલી રકમ પરત આપી દીધી હતી. તેમ છતાં પણ રેશમાબેન દ્વારા વધુ રકમની માંગણી કરવામાં આવતા રીક્ષા ચાલક એવા જરીનાબેનના પતિ તેમજ ત્રણ સંતાનો સાથેનો પરિવાર ગામ છોડીને નાસી ગયા હતા. આ વચ્ચે રેશમાબેન દ્વારા ફરીયાદી જરીનાબેનના મકાનનું લખાણ એક વકીલ પાસેથી કરાવી લેવામાં આવ્યું હતું અને બાદમાં તેઓને ઘરમાં પ્રવેશવા ના દઈ અને ઘરમાં રહેલું આશરે રૂપિયા 30 હજારની કિંમતનું ડબલ ડોરનું ફ્રીજ તેઓ લઈ ગયા હતા.
આમ, તોતિંગ વ્યાજ વસૂલી અને રહેણાંક મકાન ઉપર કબજો મેળવી અને તેઓને ઘરમાંથી કાઢી મૂક્યાની તેમજ બિભત્સ ગાળો કાઢી, પરેશાન કરવા સબબ રેશમાબેન તથા તેના મળતિયાઓ સામે જરીનાબેન નાયક દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2) તથા ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, રેશમાબેન સુંભણીયાની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા ચલાવી રહ્યા છે.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગત તા. 6 ના રોજ ખંભાળિયાના હમીર જોધા ચાવડા તથા અર્જુન હમીર ચાવડા નામના બે શખ્સો સાથે સામે પણ અનઅધિકૃત રીતે ઊંચું વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ બાદ શનિવારે વધુ એક ફરિયાદ રેશ્માબેન સુંભણીયા સામે નોંધાઈ છે. ત્યારે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત હોય, તેવા લોકોએ ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પી.આઈ. દ્વારા એક યાદીમાં જણાવાયું છે.