ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતાં ખેડૂત યુવાનનું ખેતીનું વર્ષ નબળું ગયું હતું અને સારી ઉપજ ન થવાથી યુવાને રીક્ષા ડ્રાઈવિંગ કરવા છતાં આર્થિક સંકળામણ દૂર થતી ન હોવાથી પરિવારની ચિંતામાં તેના ખેતરમાં આવેલા આંબલીના ઝાડમાં સુતરના દોરા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટના મહુડી ચોક વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને મૂળ ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના વતની નવલભાઈ આયદનભાઇ બાળા (ઉ.વ.44) નામના ખેડૂત યુવાનનું ખેતીનું વર્ષ નબળું જવાથી સારી ઉપજ થઈ ન હતી. જેના કારણે યુવાન રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો તેમ છતાં પણ આર્થિક સંકળામણ દુર થતી ન હતી. જેથી પરિવારની ચિંતામાં રહેતા નવલભાઈએ ગુરૂવારે સાંજના સમયે ગોલીટા ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં આંબલીના ઝાડ સાથે સુતરના દોરડા વડે જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા એએસઆઇ એમ.પી. મોરી તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્ર કેવલના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.