જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ ગુલાબનગર વિસ્તારમાં આવેલ સિન્ડીકેટ સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાંક રહેવાસીઓ દ્વારા દબાણ હટાવ કામગીરીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ દબાણ હટાવ શાખા અડગ રહી હતી અને સ્થિતિ પર અંકુશ મેળવી દબાણ હટાવવાની કામગીરી કાર્યરત રાખી હતી.
2023ના વર્ષનો પ્રારંભ થતાંની સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષમાં પ્રથમ ડિમોલિશેન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના એન.આર. દિક્ષીતની રાહબરી હેઠળ શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટીમાં દબાણ કરવામાં આવેલા હોય તે હટાવવામાં આવ્યા હતાં. એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ કાફલા સાથે આ દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જેસીબીની મદદથી દબાણ હટાવ કામગીરી કરવા પહોંચેલા કર્મચારીઓ સામે કેટલાંક સ્થાનિક રહેવાસીઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો અને આ દબાણ હટાવ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરંતુ તંત્ર દ્વારા સ્થિતિ પર કાબુ મેળવી દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સોસાયટીના બે મહત્વના માર્ગો પસાર થાય છે બે સોસાયટી વચ્ચે દબાણ થયેલું છે. આ જામનગર મહાનગરપાલિકાની છે અને અગાઉ દબાણ ધારકોને નોટીસો આપી હતી. તેમ છતાં કોઇપણ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા ન હતાં. જેને લઇને આ રસ્તો ખાલી કરાવવા દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. અહીં દિવાલો તેમજ ઓરડીઓ ખડકી દેવામાં આવી છે. જેને લઇને સ્થાનિકો દ્વારા વિરોધ થયો હતો પરંતુ નોટીસ આપ્યા બાદ દબાણ હટાવ કામગીરી થઇ રહી હોવાનું એસ્ટેટ શાખાના અધિકારીએ જણાવ્યું હતું. એસ્ટેટ શાખા દ્વારા રહેવાસીઓના વિરોધ વચ્ચે મક્કમ રહી દબાણ હટાવ કામગીરી ચાલુ રાખી હતી.