જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા વિસ્તારમાં રહેતાં પરિવારના ઘરમાં ઘુસી હુમલો કરવાના ઈરાદે યુવતી ઉપર પાઈપ વડે માર મારી મહિલાના હાથમાં મોબાઇલ ઝૂંટવી લઇ યુવતીનું અપહરણ કર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલો અને અપહરણના બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસેના વિસ્તારમાં ભાડે રહેતા રાજુભાઇ અરવિંદભાઈ વિઠ્ઠલાણી નામના વેપારી યુવાનના મકાનમાં મંગળવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં ખંભાળિયાના લખમણ મુળજી કણઝારિયા તથા જનક લખમણ કણઝારિયા નામના બે શખ્સોએ હુમલો કરવા માટે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી યુકતીબેનના માથામાં લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ આશાબેનને ધકકો મારી લોખંડના પાઈપ વડે માથામાં માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ આશાબેનનો મોબાઇલ ફોન બળજબરીથી કઢાવી લઇ ગેરકાયદેસર અટકાયત કરી યુકતીબેનનું અપહરણ કર્યુ હતું અને રાજુભાઈ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી મુંઢ માર માર્યો હતો.
ઘરમાં ઘુસી યુવાન તથા મહિલા ઉપર હુમલો કરી મોબાઇલ ફોન બળજબરીપૂર્વક ઝૂટવી લઇ અટકાયત કરી અને યુવતીના અપહરણના બનાવમાં પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.