દ્વારકા પંથકમાં ગતરાત્રિથી પવનની ગતિમાં વધારો થતા ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસને બંધ કરવામાં આવી હતી. યાત્રિકોની સલામતી માટે જીએમબી દ્વારા આ નિર્ણય લેવાયો હતો.
દેશ વિદેશથી દ્વારકા ખાતે ભગવાન કાળીયા ઠાકોરના ચરણોમાં શીષ ઝુકાવવા યાત્રિકો આવતા હોય છે. ત્યારે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં પણ અચૂક જાય છે. ત્યારે બેટ દ્વારકા ટાપુ હોવાના ઓખાથી બેટ દ્વારકા સુધી બોટ મારફતે જવું પડે છે. આ ફેરીબોટનું સંચાલન કરતી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આજે સવારેથી ફેરીબોટ સેવા બંધ કરાઈ હતી. બેટ દ્વારકા જતી ફેરિબોટ સર્વિસ ભારે પવન અને મોજાના લીધે કાઠે લગાવી ન શકાવાની પરિસ્થિતિ હોવાથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ, જીએમબી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓ ફેરીબોટ સર્વીસ બંધ કરાતા દર્શન કર્યા વગર પરત ફર્યા હતા. ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દર્શન ન થતા યાત્રાળુઓ નીરાશ થયા હતા. ઓખા મરીન પોલીસ પી.આઈ. દેવ વાંઝા દ્વારા ઓખા જેટી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત પણ કરાયા છે. અને પવનની ગતિ ઓછી થવા સાથે મોજા શાંત થતાં ફેરી બોટ સેવા પુન: શરૂ કરવામાં આવશે તેમ પણ વધુમાં જાણવા મળ્યું છે.