જામનગર જિલ્લાના ધ્રોલમાં કેરોસીન ના એક વિક્રેતાને આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ બ્લુ કેરોસીન નું ગેરકાયદે વેચાણ કરવાના સંદર્ભમાં તકસીરવાન ઠરાવી ધ્રોલની અદાલતે કોર્ટ ઉઠતા સુધીની સજા અને રૂા.10,000 નો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે ધ્રોલમાં રહેતા અને કેરોસીનના વેચાણનો ડેપો ધરાવતા વેપારી વિનોદભાઈ રામજીભાઈ જોશી, કે જેને ત્યાં 2006 ની સાલમાં રાજકોટ આરઆર સેલ ની ટીમે દરોડો પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન વેપારીના ગોડાઉનમાં ગેરકાયદે બ્લુ કેરોસીન નું સંગ્રહ કરી તેમાં સલ્ફયુરિક એસિડ-નેપ્થા વગેરેનું મિશ્રણ કરીને ગેરકાયદે રીતે વેચાણ કરાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી આર.આર સેલ ની ફરિયાદના આધારે વેપારી સામે આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 અને 7 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કે ધ્રોલની અદાલત સમક્ષ ચાલી જતાં સરકાર પક્ષે રોકાયેલા એ.પી.પી. આર.એસ. રામાણીની દલીલોને ધ્યાને રાખીને અદાલતે ધ્રોલના વેપારી વિનોદ રામજીભાઈ જોશીને આવશ્યક ચીજ વસ્તુ ધારાના કેસમાં તક્સીરવાન ઠરાવ્યા છે, અને કોર્ટ ઉઠતા સુધીની સજા, તેમ જ રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે.