જામનગર તાલુકાના સીકકામાં કારાભુંગા વિસ્તારમાં રહેતા યુવાન અગાઉની બોલાચાલી સંદર્ભે સમજાવવા જતાં દંપતી સહિતના ચાર શખ્સોએ લોખંડની ટોમી અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કામાં કારાભુંગા વિસ્તારમાં રહેતા જગદીશ વાલજીભાઈ ચૌહાણને ધીરજ ચૌહાણ સાથે બોલાચાલી થઈ હતી. તે સંદર્ભે જગદીશ સમજાવવા ગયો હતો તે દરમિયાન 31 તારીખની રાતના સમયે ધીરજ કાંતિ ચૌહાણ, વસંત ઉર્ફે કાનો કાંતિ ચૌહાણ, કાંતાબેન કાંતિભાઈ ચૌહાણ, મીતલબેન ધીરજ ચૌહાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી જગદીશ ઉપર લાકડાના ધોકા અને લોખંડની ટોમી વડે હુમલો કર્યો હતો. જ્યારે બન્ને મહિલાઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કરી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે ઘવાયેલા જગદીશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.