જામનગર શહેરમાં નવા વર્ષના પ્રારંભે લાલપુર બાયપાસ પાસેના રહેણાંક વિસ્તારમાં એક સાથે ત્રણ-ત્રણ મકાનના તાળા તૂટયા હતાં. આ પૈકીનું એક મકાન બંધ હતું જ્યારે અન્ય બે મકાનમાં તો પરિવારજનો નિંદ્રાધિન હતાં અને તસ્કરો કળા કરી ગયા હતાં. એક માસ પૂર્વે આ જ વિસ્તારમાં એક દુકાનમાંથી પણ ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, નવા વર્ષનો પ્રારંભ થતાની સાથે જ તસ્કરો એકટીવ થઈ ગયા છે અને જામનગરમાં લાલપુર બાયપાસ નજીક કાલાવડ રોડ જવાના માર્ગ પર આવેલા જ્યોતિપાર્ક વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક સાથે ત્રણ-ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતાં. આ મકાનો પૈકીના એક મકાન બંધ હતું. જ્યારે અન્ય બે મકાનોમાં પરિવારજનો નિંદ્રાધિન હતાં ત્યારે તસ્કરો ચોરી કરી જતાં રહ્યાં હતાં. રહેણાંક વિસ્તારમાંથી એક સાથે ત્રણ-ત્રણ મકાનમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને પોલીસમાં જાણ કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં ત્રણ મકાનોમાંથી અંદાજે 30 હજાર જેટલી માલમતાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં એક માસ અગાઉ એક દુકાનમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચોરીના બનાવમાં તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.