જામનગર શહેરના નાગરપરા વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીના જ ભાઈ-ભાભીને થોડા સમય માટે સાચવવા આપેલા રૂા. 5 લાખની કિંમતના સોનાના દાગીના પચાવી પાડવી વિશ્વાસઘાત કરી ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નાગરપરા વિસ્તારમાં કનખરા વાડી સામે રહેતાં પુનીતાબેન સંજય ચાંદ્રા નામના મજૂરી કામ કરતા મહિલાએ તેણીના સ્ત્રીધનના 4 તોલાનું સોનાનું મંગલસૂત્ર-1, સોનાની 4 બંગડી, સોનાની વીટી 2 નંગ, સોનાના કડા – 2 નંગ, સોનાનો હાર – 1 નંગ, સોનાના ચેઈન – 2 નંગ, સોનાનો નાકનો દાણો – 1 નંગ મળી કુલ રૂા.5 લાખની કિંમતના અંદાજે 15 તોલાના સોનાના દાગીના તેણીના ભાઈ પ્રવિણ અને દિપક કાંતિભાઈ કનખરા તથા ભાભી સોનલબેન પ્રવિણ કનખરા નામના ત્રણેય વ્યક્તિઓને 2015 માં થોડા સમય માટે સાચવવા આપ્યા હતાં. ત્યારબાદ આ સોનાના દાગીનાની પુનીતાબેન દ્વારા માંગણી કરવામાં આવતાં તેણીના જ ભાઈ-ભાભીએ દાગીના આપવામાં આનાકાની કરી હતી. અવાર-નવાર દાગીનાની માંગણી કરવા છતાં દાગીનાના પરત નહીં કરતાં આખરે મહિલા દ્વારા તેણીના જ ભાઈ-ભાભી સામે સિટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે દંપતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને ધમકી આપ્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.