જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનની મહિલા ખેલાડીઓ સૌરાષ્ટ્રની અંડર-15 ટીમમાં પસંદગી પામી છે. આ ખેલાડીઓ પૈકી બે ખેલાડીઓએ વુમન્સ અંડર-15 ડોમેસ્ટીક વન-ડે ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રેઝન્ટેશન કરી જામનગરનું ગૌરવ વધાર્યુ છે. તેમની આ સિધ્ધી બદલ જામનગર ડિસ્ટ્રીકટના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા હોદ્ેદારોએ અભિનંદન પાઠવ્યા હતાં.
જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટના મહિલા ક્રિકેટરો કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી સૌરાષ્ટ્રની અંડર-15 ક્રિકેટ ટીમમાં સિલેકટ થયા છે તથા સૌરાષ્ટ્રની ટીમનું સુકાન પણ જામનગરની રાબીયા સમાને મળ્યું છે. જે ગૌરવપૂર્ણ બાબત છે. હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલ વુમન્સ અંડર-15 ડોમેસ્ટીક વન-ડે ટૂર્નામેન્ટમાં જામનગરની મહિલા ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન દાખવી સૌરાષ્ટ્રની ટીમને વિજય માર્ગે દોરી છે. જેમાં જામનગરના મહિલા ખેલાડી અને સૌરાષ્ટ્ર અંડર-15 વુમન્સ ટીમના કેપ્તન રાદિયા સમા એ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતાં ઝારખંડની ટીમ સામે બેટિંગમાં અણનમ 77 રન તથા ફિલ્ડિંગમાં બે બેટસમેનને રનઆઉટ કર્યા હતાં. આ ઉપરાંત તા.30 ડિસેમ્બરના રોજ ગોવાની ટીમ સામે રાબીયા સમાએ કેપ્તન ઈનીંગ રમતા 89 બોલમાં 73 રન તથા 1 વિકેટ ઝડપી હતી.
આ ઉપરાંત જામનગરની અન્ય ખેલાડી હર્ષિતા જાડેજા એ સાત ઓવરમાં 22 રન આપી ચાર વીકેટ ઝડપી સૌરાષ્ટ્રને વિજય સુધી પહોંચાડયું હતું.