આત્મા પ્રોજેક્ટ, જામનગર દ્વારા કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે ‘પ્રાકૃતિક ખેતી’ વિષય આધારિત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.બી. પટેલ દ્વારા રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ, જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે ખેડૂતોને માહિતી આપી હતી. તેમજ ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતું, અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
તાલીમ સત્રમાં આણંદપર ગામના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ જેસડિયા દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોની સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ પોતાના અનુભવો ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી હતી. સમગ્ર તાલીમનું આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કૃપાલભાઈ ગોંડલીયા અને નાના વડાળા ગામના વિનુભાઈ મારકણા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ સત્રમાં બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો હાજર રહયા હતા.