રાજયના પાટનગર ગાંધીનગર ખાતે જામનગરના ધારાસભ્યોની ગૃહમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી તથા અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં જામનગરના એસ.ટી.બસ ડેપોના આધુનિકરણ માટે રજૂઆત કરવામાં આવતા આ રજૂઆતને વાહન વ્યવહાર મંત્રીને સ્વીકારી અને નજીકના સમયમાં જ આધુનિકરણ બનાવવા માટે ખાતરી આપી હતી.
મંગળવારે રાજ્યના પાટનગર ગાંધીનગર મુકામે ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષના સ્થાને સંબંધિત અધિકારીઓની હાજરીમાં આધુનિક બસ પોર્ટ વિકસાવવા માટેની ભાવિ યોજનાઓ અંગે ચર્ચા-વિચારણા થઈ હતી અને અધ્યતન સુવિધાસભર બસ સ્ટેશનનું નિર્માણ કરી મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનમાં મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. બેઠકમાં જામનગરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જામનગરના ધારાસભ્યો દ્વારા રજૂઆત કરી સાર્વજનિક પરિવહન એ પરિવહનના શ્રેષ્ઠ અને સૌથી અનુકૂળ માધ્યમોમાંનું એક છે તેમજ જામનગરના એસટી બસપોર્ટના આધુનિકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જામનગરના ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી જામનગરના વિકાસ માટે ચર્ચા-વિચારણા કરી હતી.
રજૂઆત બાદ ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુવિધાસભર બસ સ્ટેશનોનું નિર્માણ કરી મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને નજીકના સમયમાં જામનગરમાં એસટી બસ ડેપોને અગ્રતાના ધોરણે આધુનિકરણ માટે નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે તેવી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી.