જામનગર શહેરમાં ધીમે-ધીમે શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે. સમગ્ર જામનગરમાં કોલ્ડવેવ જેવો પવન ફૂંકાતાં ઠંડીનું સામ્રાજ્ય છવાતું જોવા મળી રહ્યું છે. લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. તેમજ શિતલહેર વધતાં લોકો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યાં છે.
જામનગરમાં ઠંડીના વધતાં પ્રમાણએ શહેરીજનોને હચમચાવી દીધા છે. આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. ત્યારે લોકો ઠંડીથી બચવા ગરમ કપડા અને તાપણાનો સહારો લઇ રહ્યાં છે. ખાસ કરીને રાત્રીના સમયે તથા વ્હેલી સવારે માર્ગો પર સ્વયંભૂ કર્ફયૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરવાની સાથે સાથે ગરમ ચાની ચુસ્કી તેમજ ગરમ સૂપ, કાવો સહિતની ચીજવસ્તુઓનો પણ આનંદ લઇ રહ્યાં છે.
જામનગર કલેકટર કચેરીના કંન્ટ્રોલ રૂમના જણાવ્યાનુસાર શહેરમાં મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 53 ટકા નોંધાયું હતું. વધતી ઠંડીની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તેમજ ગ્રામજનો ઠંડીમાં ઠુઠવાતા બજારો પણ વ્હેલી બંધ થઇ રહી છે. તો બીજીતરફ કડકડતી ઠંડીને પરિણામે પશુ-પક્ષીઓની હાલત પણ દયનિય બની છે.