યાત્રાધામ બેટ દ્વારકાથી એક બોટ શનિવારે ઢળતી સાંજે યાત્રિકોને સાથે લઈને પરત ફરી રહી હતી, ત્યારે દરિયામાં ઓટના કારણે દરિયા કિનારા વિસ્તારમાં પાણીની માત્રા ઘટી જતા ખૂબ જ ઓછા પાણીના કારણે રેતીના ધોવાતા બોટ નીચે અટકી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.
આના કારણે ગભરાઈ ગયેલા લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. એટલા સમયમાં છેલ્લા ફેરાની બોટ હોવાના કારણે પાછળ આવી રહેલી પોલીસની પેટ્રોલિંગ બોટને જોઈને લોકોએ મદદ માંગી હતી. જેથી પેટ્રોલિંગ બોટમાં હાજર ડીવાયએસપી સમીર સારડા અને પીએસઆઈ દેવ વાંઝાએ ઓખાથી સંપર્ક કરીને મદદ માટે નાની બોટને બોલાવી હતી. જે અંગેના યોગ્ય બંદોબસ્ત કરીને પોલીસે યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થળાંતર કર્યા હતા. બાદમાં બોટ પર ઓછા મુસાફરો રહ્યા બાદ પોલીસે બોટથી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલી બોટને પાણીમાં ફરીથી તરતી કરીને યાત્રિકોને સહી સલામત રીતે ઓખાના દરિયા કિનારે પહોંચાડ્યા હતા. આમ, પોલીસે “રેસ્ક્યુ ઓપરેશન” પાર પાડ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસ બોટમાં અધિકારીઓ સાથે બોટના પાઇલટ, હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ, કમાન્ડો દેવશીભાઈ મુંધવા પણ સાથે જોડાયા હતા. આ અંગે પ્રતિભાવ આપતા મુસાફરોએ જણાવ્યું હતું કે દરિયામાં ફસાયેલી આ બોટલના કારણે ખાસ કરીને બાળકોને લઈને મુસાફરો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. જ્યારે પોલીસે દેવદૂત બનીને મુસાફરોને ઉગારતા સૌ કોઈ રાહતનો દમ ખેંચ્યો હતો અને પોલીસ તંત્રની આભારની લાગણી વ્યક્ત કરી હતી. ડીવાયએસપી સમીર સારડા તથા સ્ટાફની આ તાકીદની કામગીરી બદલ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.