જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં રહેતો અને દોરા-બટનનું કામ કરી દુકાને-દુકાને ફેરી કરતો યુવાન પાંચ દિવસથી તેના ઘરેથી ગયા બાદ સોમવારે સાંજે જૂની આરટીઓ ઓફિસ પાસે પાછલા તળાવમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના પાટણ ગામના વાડી-વિસ્તારમાં ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતા ખેતમજૂર યુવકનું વીજશોકથી મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી સાધનાકોલોની બ્લોક નંબર એલ-13માં રહેતો અને દોરા-બટનનું કામ કરતો સંજયભાઇ નરેન્દ્રભાઇ વસીયર (ઉ.વ.47) નામનો યુવાન દુકાને-દુકાને ફેરી કરી વેચાણ કરતો હતો. યુવાન છેલ્લા પાંચ દિવસથી તેના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ લાપતા રહેલા યુવાનની પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવાનનો પતો નહીં લાગતા આખરે પોલીસમાં જાણ કરી હતી. દરમ્યાન સોમવારે સાંજના સમયે જૂની આરટીઓ ઓફિસ પાછળ આવેલા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં એએસઆઇ યુ.પી.પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા મૃતદેહ સંજય વસીયરનો હોવાની તેના ભાઇ પીયુષ વસીયર દ્વારા ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી ક્યા કારણોસર મોત નિપજ્યું તે અંગેની તપાસ હાથ ધરી હતી.
જામજોધપુર તાલુકાના પાટણ ગામની સીમમાં આવેલી નરેન્દ્રભાઇ ઓડેદરાની વાડીમાં મજૂરીકામ કરતો ધર્મેન્દ્ર જેમલાભાઇ જમેર (ઉ.વ.23) નામનો મધ્યપ્રદેશ રાજ્યના શાબાશપુરા ગામનો વતની સોમવારે વહેલી સવારના સમયે જેના ખેતરે પાણી ભરવા માટે ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયો ત્યારે અચાનક વીજ શોક લાગતા બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની શ્રીરામભાઇ જમેર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.જી.વસાવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.