ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના બીજા સેશનમાં તેની બીજી ઇનિંગમાં એક વિકેટે 70 રન બનાવી લીધા છે. શુબમન ગિલ ક્રિઝ પર છે. ચેતેશ્ર્વર પૂજારા સાથ આપી રહ્યા છે. કેપ્ટન કેએલ રાહુલ 23 રન બનાવીને આઉટ થયો હતો. તે ફાઈન લેગ બાઉન્ડ્રી પર ઉભેલા તૈજુલ ઈસ્લામના બોલ પર ખાલિદ અહેમદના હાથે કેચ આઉટ થયો હતો.
આ પહેલા ચટ્ટોગ્રામમાં રમાઈ રહેલી આ મેચમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 150 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
આ રીતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવના આધારે 254 રનની લીડ મેળવી હતી. જોકે, ભારતીય કેપ્ટન કેએલ રાહુલે બાંગ્લાદેશને ફોલોઓન કરવાની ફરજ પાડવાને બદલે પોતે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા.