વન ડે બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરી રહેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી છે. ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે માત્ર 48 રનના સ્કોરે 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિકેટકીપર બેટસમેન ઋષભ પંત અને ચેતેશ્ર્વર પૂજારા વચ્ચે સારી ભાગીદારી થતાં આ લખાય છે ત્યારે લંચ બાદ 37 ઓવરમાં ભારતે 4 વિકેટે 125 રન બનાવી લીધા છે. ચેતેશ્ર્વર પૂજારા 26 અને શ્રેયસ એયર 8 રન બનાવી બેટિંગ કરી રહયા છે. આ અગાઉ ઓપનિંગ બેટસમેન કે.એલ. રાહુલ અને શુભમન ગીલે 41 રનની ભાગીદારી કર્યા બાદ માત્ર પાંચ રનના ગાળામાં બન્ને ઓપનરો આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ વિરાટ કોહલી પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ઋષત પંતે પોતાની સ્ટાઇલ મુજબ આક્રમક બેટિંગ કરી 45 દડામાં 46 રન બનાવ્યા હતા.