જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ત્રણબતી અને હાપા વિસ્તારમાં આવેલી આઈસ ફેકટરીઓમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફેકટરી ધારકો તથા હોટલધારકોને સ્વચ્છતા જાળવવા અને નિયમિત સફાઈ કરાવવા નોટિસ પાઠવવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની સૂચનાથી આરોગ્ય શાખાની ટીમ દ્વારા શુક્રવારે જામનગરના ત્રણબતી વિસ્તારમાં આવેલા જલારામ ગૃહ ઉદ્યોગ, કલ્પના હોટલ, મદ્રાસ હોટલ તથા હાપામાં આવેલા દ્વારકાધીશ હિંગ તેમજ સિધ્ધનાથ મિલ્ક પ્રોડકટ અને અબ્દુલ મજીદ એન્ડ સન્સમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ હાપામાં શિતલ આઇસ ફેકટરી, જેઠવા આઈસ ફેકટરી, શિવમ આઈસ ફેકટરી, શિવમ કોલ્ડસ્ટોરેજ અને આઝાદ આઈસ ફેકટરી તેમજ હોસ્પિટલ રોડ, પટેલ કોલોની, નાગનાથ નાકા વિસ્તારમાં દોઢ ડઝન જેટલી પેઢીઓમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ શાખા દ્વારા ફેકટરીધારકોને સ્વચ્છતા જાળવવી, પાણીના ટાંકાની નિયમિત સફાઇ કરાવવી, કલર કરાવવો તેમજ ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉપરાંત શિયાળાની સિઝનમાં ચેકિંગ દરમિયાન શહેરના રણજીતનગર રોડ પર તથા ઓશવાળ-2 માં ગૃહ ઉદ્યોગ ખાતેથી અડદીયા અને ખજુરપાકના નમુના મેળવી લેબોેરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.


