જામનગરમાં ગ્રાહક સુરક્ષા કમિશનમાં પ્રથમ વખત લોક અદાલતનું આયોજન કર્યું હતું. જેમાં એક ફરિયાદી અને વિમા કંપની વચ્ચેના કેસનું સમાધાનપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં ઇન્સ્યોરન્સ કંપની ફરિયાદીને કલેઇમની રકમ ચૂકવવા સહમત થઇ હતી. ત્યારે ફરિયાદી ખર્ચ તથા વળતરની રકમ જતી કરી હતી.
ખ્યાતિબેન પ્રશાંતભાઇએ પોતાના પરિવારનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી માંદગી કે, હોસ્પિટલી સારવાર સમયે રક્ષણ મળી રહે તે માટે વિમો મેળવવામાં આવ્યો હતો. જેમાં વિમાનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમિયાન ખ્યાતીબેન તેમના પતિ સાથે જતાં હોય તે દરમિયાન ગાડી સ્લીપ થઇ જતાં ખ્યાતીબેનને ગોઠણમાં ગંભીર ઇજા થઇ હતી. ખ્યાતીબેન દ્વારા મેડીકલ સારવાર કરાવવામાં આવેલ અને જે અંગેનો કલેઇમ કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસે મુકી કલેઇમની રકમની માગણી કરવામાં આવી હતી. પરંતુ કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખ્યાતીબેન પાસેથી અલગ અલગ ડોક્યૂમેન્ટસની માગણી કરવામાં આવેલ અને ત્યારબાદ કલેઇમની રકમ ચૂકવવાની જગ્યાએ કલેઇમ રદ કરવામાં આવ્યો હતો.
જેથી ખ્યાતીબેન દ્વારા પોતાના વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમિશન, જામનગરમાં કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વતી તેમના વકીલ હાજર થયા હતાં. ત્યારબાદ જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રથમ વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આ કેસને મુકવામાં આવ્યો હતો અને બંનેપક્ષકારોને હાજર રાખી અને સમાધાનની વાતચીત કરાવવામાં આવી હતી. જેમાં બંનેપક્ષકારો ફરિયાદી ખ્યાતીબેન અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે સમાધાન થયું હતું અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની ફરિયાદીને કલેઇમની રકમ રૂા. 1,55,492 ચૂકવવા સહમત થઇ હતી અને ફરિયાદી ખર્ચ તથા વળતરની રકમ જતી કરી હતી. તે રીતે સમાધાન ધ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.એ. જાડેજા તથા સભ્ય એચ.એસ. દવે ફરિયાદ સમાધાનથી પૂર્ણ કરવાનો હુકમ કરી કેસ સમાધાનથી પૂર્ણ કર્યો હતો. આમ જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં યોજાયેલ પ્રથમ વખત નેશનલ લોક અદાલતમાં પ્રથમ વખત પ્રથમ કેસ સમાધાનથી પૂર્ણ થયો હતો. ફરિયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતાં.